મોરબી અને માળિયા (મી.)ના પ્રાથમિક શિક્ષકોએ મંત્રી અને ધારાસભ્યને રજૂઆત કરી મોરબી : રાજ્યમાં નવી વર્ધિત પેન્શન યોજના બંધ કરી જૂની પેન્શન યોજના પુન: ચાલુ કરવા તેમજ મોરબી જિલ્લાના પ્રાથમિક શિક્ષકોના જી.પી.એફ. એકાઉન્ટ ટ્રાન્સફર કરવા બાબતે મોરબી અને માળિયા તાલુકાના પ્રાથમિક શિક્ષકો દ્વારા મંત્રી અને ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજાને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ગત તારીખ 19 સપ્ટેમ્બરના રોજ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના આદેશ અન્વયે તેમજ મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના આહવાનથી મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી દિનેશભાઈ આર. હુંબલની આગેવાની હેઠળ મોરબી અને માળિયા (મી.) તાલુકાના પ્રાથમિક શિક્ષકોએ અન્યો રાજ્યોની જેમ ગુજરાત રાજ્યમાં પણ નવી વર્ધિત પેન્શન યોજના રદ કરી જૂની પેન્શન યોજનાનો પુન: સ્વીકાર થાય તે માટે મોરબી માળિયા વિસ્તારના ધારાસભ્ય અને શ્રમ, રોજગાર, ગ્રામ ગૃહનિર્માણ, ગ્રામ વિકાસ અને પંચાયત મંત્રી બ્રિજેશભાઈ મેરજાને આવેદનપત્ર પાઠવ્યું હતું. નવી પેન્શન યોજના કર્મચારીઓ માટે સામાજીક અને કૌટુંબિક બાબતે આર્થિક રીતે અસુરક્ષા આપનારી હોય દેશના અન્ય રાજ્યોની જેમ ગુજરાત સરકાર પણ નવી વર્ધિત પેન્શન યોજના રદ કરી તાત્કાલિક ધોરણે જૂની પેન્શન યોજના શરૂ કરે તે માટેની રજુઆત કરવામાં આવી હતી. ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના આદેશથી સમગ્ર રાજ્યમાં તમામ ધારાસભ્યોને એકસાથે એક જ સમયે આ બાબતે આવેદન પાઠવવામાં આવ્યું હતું. સાથેસાથે મોરબી જિલ્લાના પ્રાથમિક શિક્ષકોના જી.પી.એફ. એકાઉન્ટ મૂળ રાજકોટ જિલ્લામાંથી નવરચિત મોરબી જિલ્લામાં તાત્કાલિક ધોરણે તબદીલ થાય અને શિક્ષકોની જી.પી.એફ. અંગેની મુશ્કેલીઓ દૂર થાય તે માટે પણ મંત્રીને આવેદન પાઠવી રજુઆત કરવામાં આવી હતી. આ રજુઆત સમયે મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી અને માળિયા તાલુકા પ્રા.શિ. સંઘના પ્રમુખ દિનેશભાઈ આર. હુંબલ, મોરબી જિલ્લા પ્રા.શિ. સંઘના પૂર્વ પ્રમુખ મણીલાલ વી. સરડવા, મોરબી શહેર સંઘના પ્રમુખ ધીરૂભાઇ જાકાસણીયા, મોરબી ગ્રામ્ય સંઘના મહામંત્રી અશ્વિનભાઈ આર. દલસાણીયા, માળિયા સંઘના મહામંત્રી હસુભાઈ વરસડા, મોરબી ગ્રામ્ય સંઘના પ્રતિનિધિ અને પૂર્વ રાજ્ય પ્રતિનિધિ હર્ષદભાઈ ટી. પટેલ તેમજ મોરબી અને માળિયા તાલુકાના બહોળી સંખ્યામાં શિક્ષકો ઉપસ્થિત રહ્યાં હતાં. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..