હળવદના ટિકર રણ ગામે વાવણીની ઉપજ માંગતા પુત્ર અને પુત્રવધુએ બંબુડીથી માર મારતા ફરિયાદ હળવદ : હળવદ તાલુકાના ટિકર રણ ગામે વૃદ્ધ પિતાની ખેતીની જમીન વાવતા કપાતર પુત્ર પાસે ઉપજના પૈસા માગનાર વૃદ્ધ પિતાને પુત્ર અને પુત્રવધુએ માર મારતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના ટિકર રણ ગામે ખેતીની ત્રણ એકર તેર ગુઠા જમીન ધરાવતા અલારખાભાઈ ઉસ્માનભાઈ કોરડીયા ઉ.65નો પુત્ર યાસીન અલારખાભાઈ આ જમીનમાં વાવણી કરતો હોય પિતા અલારખાભાઈએ વાવણીની ઉપજના પૈસા માંગ્યા હતા. જો કે વયોવૃદ્ધ પિતાને પૈસા આપવાને બદલે પુત્ર યાસીન અને તેમના પત્ની જમીલાબેને વૃદ્ધ પિતાને ગાળો આપી, ઢીકા પાટુનો માર મારી પાઈપની બંબુડીથી માર મારતા આ મામલે હળવદ પોલીસે અલારખાભાઈની ફરિયાદને આધારે પુત્ર અને પુત્રવધુ વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.