એક વર્ષથી સતત પાણી ભરાયેલા અને ગટરો ઉભરાતા સ્થાનિકો ઉપર રોગચાળાનું જોખમ : અનેક વખત રજુઆત કરવા છતાં ગંદકીનો પ્રશ્ન ઠેરનો ઠેર જ રહ્યાનો મહિલાઓએ આક્રોશ ઠાલવ્યો મોરબી : મોરબીના રવાપર-ધૂનડા રોડની સોસાયટીઓમાં સતત પાણી ભરાયેલા અને ગટર ઉભરાવીની વિકરાળ સમસ્યા હોવા છતાં રવાપર ગ્રામ પંચાયત કોઈ પગલાં જ ભરતું ન હોવાથી આ સોસાયટીઓની મહિલાઓ આજે વિફરી હતી અને રોષ ભરાયેલી મહિલાઓએ આજે રવાપર ગ્રામ પંચાયત કચેરીએ હલ્લાબોલ કર્યું હતું અને ગટરની ગંદકી મુદ્દે ઉગ્ર રજુઆત કરી હતી. તેમજ અનેક વખત રજુઆત કરવા છતાં ગંદકીનો પ્રશ્ન ઠેરનો ઠેર જ રહ્યાનો મહિલાઓએ આક્રોશ ઠાલવ્યો હતો. રવાપર-ધૂનડા રોડ ઉપર શ્રીકૃપા સોસાયટીમાં આવેલી આસોપાલવ સોસાયટી અને ગોપાલ સોસાયટીની મહિલાઓના ટોળાએ આજે ગટરની ગંદકીના પ્રશ્ને રવાપર ગ્રામ પંચાયત કચેરીમાં મોરચો માંડ્યો હતો અને સતત રજુઆત કરવા છતાં ગ્રામ પંચાયત કોઈ કાર્યવાહી કરતું ન હોવાનું જણાવીને મહિલાઓએ રવાપર ગ્રામ પંચાયત કચેરીમાં હલ્લો મચાવ્યો હતો. આ સોસાયટીની મહિલાઓએ ભારે રોષ સાથે રજુઆત કરી હતી કે રવાપર ધૂંનડા રોડ ઉપર શ્રીકૃપા સોસાયટીમાં આવેલ આસોપાલવ અને ગોપાલ નામના બે એપાર્ટમેન્ટ આવેલા છે. જેમાં 24 ફ્લેટ છે. આજુબાજુમાં અન્ય રહેણાંક વિસ્તારો પણ આવેલા છે. આ સોસાયટીઓમાં છેલ્લા એક વર્ષથી સતત પાણી ભરાયેલા છે. વગર વરસાદે બારેમાસ પાણી ભરેલા હોવાથી સ્થાનિક લોકોને ભારે પરેશાની વેઠવી પડે છે. એક વર્ષેથી સતત પાણી ભરાવવાના કારણે ગટરની ગંદકી પણ સતત ઓવરફ્લો થતી રહે છે. આખી સોસાયટીમાં ગટરના ગંદા પાણી નદીના વહેણની જેમ રેલમછેલ થતા રહે છે. ગટરની ગંદકીથી માથું ફાડી નાખે તેવી દુર્ગંધ ફેલાય છે. ગટરના ગંદા પાણીથી મચ્છરોનો ભયંકર ત્રાસ રહે છે. જેથી, રોગચાળાનું જોખમ ઉભું થયું છે. ગટરના પાણી સતત ભરાઈ રહેવાથી શકભાજી સહિતના ધંધાર્થીઓ આ સોસાયટીમાં આવવાનું ટાળે છે. દરરોજ મહિલાઓ સહિત સ્થાનિક એક ફૂટ ગટરના ગંદા પાણીમાં ચાલવાની નોબત આવે છે. આ ગંભીર સમસ્યાઓ હલ કરવા અનેક વખત ગ્રામ પંચાયતને રજુઆત કરી હતી. પણ ગ્રામ પંચાયતે એકેય રજુઆતને ગંભીરતાથી લીધી નથી. તેથી, આ સોસાયટીઓમાં ગટરની ગંદકીનો પ્રશ્ન ગંભીર બની ગયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે મોરબી શહેરને સાવ અડીને આવેલા રવાપર ગામનો વિકાસ સતત વધ્યો છે. ખાસ કરીને સોસાયટીઓ અને નવા એપાર્ટમેન્ટ ઘણા બન્યા છે અને હજુ નવા બની રહ્યા છે. તેથી, આજથી 10 વર્ષ પહેલાં રવાપર ગામની વસ્તી અંદાજીત સાડા ત્રણ હજારની વસ્તી હતી. તેમાંથી વધીને હાલ રવાપર ગામની વસ્તી 35 થી 40 હજારની વસ્તી થઈ ગઈ છે. પણ સુવિધાઓના કોઈ ઠેકાણા નથી. વસ્તી વધી એની સામે લોકોની સુખાકારી વધવી જોઈતી હતી. પણ સુવિધાઓ ઓછી થવાથી લોકોની હાલાકી વધી છે.