પેપરમિલના ધુમાડા, રજકણો અને પ્રદુષિત પાણીના દુર્ગંધથી ભારે મુશ્કેલી થતી હોવાની રાવ હળવદ : હળવદના સુખપર પાસે આવેલી પેપર મીલના પ્રદુષિત પાણી અને હવાથી ખેડૂતોને શ્વાસમાં તકલીફો તેમજ ગંભીર બિમારીઓ થાય તેવી ભીતિ સેવાઈ રહી છે. તો સાથે જ આજુબાજુના ખેડુતોના ઉભા પાક સુકાઈ રહ્યાં હોવાનું સ્થાનિક ખેડૂતોએ જણાવી રહ્યા છે. હળવદના સુખપર પાસે આવેલી એસ્ટ્રોન પેપર મીલના ધુમાડાના રજકણો તેમજ કેમીકલ યુક્ત પાણી બહાર છોડતાં હોવાથી આજુબાજુનું વાતાવરણ પ્રદુષિત બની ગયું છે. સ્થાનિક ખેડુતોના જણાવ્યા મુજબ પ્રદુષિત પાણી અને પ્રદુષિત હવાના કારણે અમારા ખેતરોમાં કોઈ જ મજુર કામ કરવા આવતા નથી અને જે છે તેઓને અવારનવાર શ્વાસ લેવામાં તકલીફ અને શરીરમાં ખંજવાળ ઉપડી જવાની તકલીફો થતી હોય છે. વધુમાં જો પ્રદુષણ બંધ કરવામાં નહીં આવે તો આંદોલનની ચિમકી ઉચ્ચારી ફેક્ટરીને તાળાંબંધી કરવાની ખેડૂતોએ ચીમકી આપી છે. એસ્ટોન પેપરમીલની અંદર પાણી માટે બનાવેલા બોર મોટાભાગના ખુલ્લી હાલતમાં જોવા મળી રહ્યા છે ત્યારે અહીં ફેકટરીમાં કામ કરતા મજૂર વર્ગના નાના-નાના ભૂલકાઓ આ ખુલ્લા બોરમાં પડી જાય તો મોટી દુર્ઘટના સર્જાય તેવો ભય સતાવી રહ્યો છે.