ટંકારા તાલુકાના પ્રથમ ફોટોગ્રાફર હતા રવિભાઈ જેમણે કેમેરામાં કેદ કરી હતી અનેક યાદગાર ક્ષણો ટંકારા : ટંકારાના પ્રથમ ફોટોગ્રાફર અને અનેક યાદગાર ક્ષણોને કેમેરે કેદ કરનાર કસબી એવા રવિ આર્ટ સ્ટુડિયોના માલિક રવિશંકરભાઈ જાનીનુ આજે જૈફ વયે નિધન થયું છે. દેશના સ્વ. વડાપ્રધાન ઇન્દિરા ગાંધી, સ્વ. અટલબિહારી વાજપેયી, ચૌધરી ચરણસિંહ, કેશુભાઈ પટેલ, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સહિતના નામાંકિત હસ્તીઓના ફોટા ટંકારા મહર્ષિ દયાનંદ ગુરૂકુલ મુલાકાત વખતે ક્લિક કરી ક્ષણોને યાદગાર બનાવનાર જૂની પેઢીના કેમેરાના કસબી એવા રવિશંકરભાઈ જાનીનું આજે 88 વર્ષની વયે નિધન થયું છે. ટંકારા દરબારગઢ ખાતે રવિ આર્ટ સ્ટુડિયો ધરાવતા રવિશંકર લક્ષ્મીશંકર જાની ઉ. વ ૮૮ તે ચંદુલાલના મોટાભાઈ વિનોદરાય, દુર્ગેશભાઈના પિતાશ્રી તથા મયુરભાઈ, ગૌરાંગભાઈના દાદાશ્રી અને સ્વ રતિલાલ રાજારામ જબલપુર વાળાના જમાઈનુ આજરોજ ૨૨-૧૦-૨૧ ને શુક્રવારે દુઃખદ અવસાન થયું છે. મહાદેવને ગમ્યું તે ખરું સદગતનુ ઉઠમણું તેમજ પિયર પક્ષનું બેસણુ આગામી ૨૫-૧૦-૨૧ ને સોમવારે સાંજે ૪ થી ૫ એમના નિવાસ સ્થાન કુંજ સત્યમ પાર્ક શેરી નં ૫ મોરબી જગાતનાકા નજીક રાજકોટ ખાતે રાખ્યુ છે. રવિભાઈ રાજકોટ કુમાર સ્ટુડિયોમાં પાર્ટટાઈમ જોબ થકી કેમેરામાં તસવીરો કેદ કરવાની કળા શિખ્યા હતા. અને જ્યારે શની રવિવારે રજાના દિવસે ટંકારા આવે ત્યારે ક્ષણોને કેદ કરતા, બાદમાં ટંકારા તાલુકાનો પ્રથમ સ્ટુડિયો શરૂ કરી લોકો માટે ફોટો પડાવવાની સુવિધા ઉપલબ્ધ કરાવી હતી. તેમના નિધનથી ટંકારાએ જુનીપેઢીના પીઢ ફોટોગ્રાફર ગુમાવ્યા છે.