માળીયા તા.પં., હોસ્પિટલ, બેંક સહિતના નવના બીએસએનએલના કનેક્શન કટ મોરબી : માળિયામાં વિવિધ સરકારી વિભાગો અને મોરબી એસટી ડેપોમાં જવાબદારોને લોકોને સુવિધા ન આપવી પડે તે માટે ફોનના રીસીવર સતત નીચે મૂકીને બીએસએનએલના બિલ ન ભરતા હોવાની ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવી છે. જેમાં માળીયા તાલુકા પંચાયત, રેફરલ હોસ્પિટલ, એસબીઆઈ બેન્ક સહિતના 9 સરકારી વિભાગોએ બીએસએનએલના બે મહિનાથી બિલ ન ભરતા બીએસએનએલએ ફોન કનેક્શન કટ કરી નાખ્યા છે. મોરબી એસટી ડેપોની ઇન્કવાયરીમાં સતત રીસીવર નીચે મૂકી દેતા હોવાની રાવ ઉઠી છે. માળીયા અને વાંકાનેર તાલુકામાં બીએસએનએલ સેવા ઠપ્પ થઈ ગઈ છે. મોરબી એસટી ડેપો અને માળીયા તાલુકાના વિવિધ સરકારી વિભાગોની ભારે અવળચંડાઇ બહાર આવી છે. જેમાં આ સરકારી વિભગો લોકોને સુવિધા માટે જવાબ ન દેવો પડે તે માટે ફોનના રીસીવર નીચે મૂકી દઈને બીએસએનએલના બિલ પણ ભરતા નથી. જેથી, માળીયા તાલુકા પંચાયત,રેફરલ હોસ્પિટલ, એસબીઆઈ બેન્ક, આંગણવાડી સહિત 9 સરકારી વિભાગોના ફોનના જોડાણ બીએસએનએલએ કટ કરી નાખ્યા છે. આ સરકારી વિભાગો ફોનના રીસીવર નીચે મૂકીને લોકોની ફરિયાદ પણ સાંભળવાની તસ્દી લેતા નથી. તેમજ બિલ ન ભરતા બીએસએનએલએ તેમના ફોનના કનેક્શન કાપી નાખ્યા છે. જ્યારે સૌથી મહત્વના મોરબી એસટી ડેપોમાં પણ ઇનવાયરી વિભાગમાં સતત ફોન બંધ આવતો હોય છે. જેનું કારણ એ છે કે, ઇન્કવાયરિના જે તે કર્મચારી લોકોને જવાબ ન દેવો પડે તે માટે ફોનના રીસીવર નીચે મૂકી દે છે. જેમાં ખુદ બીએસએનએલના અધિકારીઓએ પણ આ અંગે ખરાઇ કરતા ફોનના રીસીવર નીચે પડેલા હોવાનું ધ્યાને આવ્યું હતું. મોરબી એસટી ડેપોમાં એક માસમાં 45 વખત ફોન બંધ હોવાની ફરિયાદ ઉઠે છે. જ્યારે વાંકાનેર અને તાલુકામાં બીએસએનએલના ધાંધીયા સર્જાયા છે. હાલમાં બીબીએનએલની ઓપ્ટિકલ ફાઇબર લાઇન નાખવાની એક મહિનાથી કામગીરી ચાલી રહી છે. તેમાં માળીયાના બીએસએનએલના એકચેન્જ દહીંસરા, વવાણીયા, ખાખરેચી, ઘાટીલા ઉપરાંત વાંકાનેરનું અડધું સીટીમાં બીએસએનએલ સેવા ઠપ્પ છે. વાંકાનેર તાલુકાના મોબાઈલ ટાવર 10 બંધ છે.આથી માળીયા અને વાંકાનેર તાલુકા એક માસથી બીએસએનએલની સેવાથી વંચિત છે. બીએસએનએલના મોબાઈલ અને ફોનના ડબલા મુંગા બની ગયા છે. આ ઉપરાંત, 100થી વધુ લેન્ડ લાઈન નબરો પણ બંધ છે. ઓપ્ટિકલ ફાયબર કામ દરમ્યાન કાપી નખાયા બાદ તેની મરમત ન કરાતા આ સ્થિતિ સર્જાઈ છે.