મહિલા સરપંચને દૂર કરવા મોરબી ડીડીઓએ કર્યો હુકમ : નિયમ વિરુદ્ધ મોટા બાંધકામની પરમિશન આપ્યા બાદ 2017માં જાહેરહિતની થઈ હતી અરજી મોરબી : સન 2017માં રવાપર ગ્રામપંચાયત દ્વારા નિયમ વિરુદ્ધ મલ્ટીસ્ટોરી બિલ્ડીંગ બાંધવાની મંજૂરી અપાયા બાદ જે-તે સ્થળે સાત માળનું બિલ્ડીંગ ખડકાઈ ગયું હતું. એક જાગૃત નાગરિક દ્વારા જૂન 2017માં આ સંદર્ભે ગુજરાત પંચાયત અધિનિયમ 1993ની કલમ 57(1)મુજબ કાર્યવાહી કરી સરપંચને સત્તા પરથી દૂર કરવા અને ગેરકાયદે બિલ્ડીંગ તોડી પાડવા માટેની કાર્યવાહી કરાવવા અરજી કરી હતી. વખતોવખત આ કેસની સુનાવણી દરમ્યાન મહિલા સરપંચ ઉપસ્થિત ન રહેતા અને બિલ્ડીંગ ધારકને માત્ર નોટિસ પાઠવી સંતોષ માની વધુ કોઈ કાર્યવાહી ન કરવા જેવી હકીકતને ધ્યાને લઈને મોરબી જિલ્લા વિકાસ અધિકારી પી.જે. ભગદેવે રવાપર ગ્રામપંચાયતના મહિલા સરપંચને જવાબદારી ન નિભાવવા બદલ હોદ્દા પરથી દૂર કરવાનો લેખિત હુકમ કર્યો છે. સમગ્ર કેસની ટૂંકમાં વિગતો જોઈએ તો, ચાવડા મગનભાઈ મુળજીભાઈએ રવાપરના મહિલા સરપંચ રમાબેન સંજયભાઈ અધારા વિરુદ્ધ 19/06/2017ના રોજ એક અરજી કરી હતી. જેમાં જણાવ્યાનુસાર બિનખેતી થયેલા પ્લોટો પર નિયમ વિરુદ્ધ 2થી 7 માળની ઇમારતો બાંધવાની મંજૂરી આપી દેવામાં આવી હતી. કેટલા માળની મંજૂરી ગ્રામપંચાયત આપી શકે એના નિયમોની અવગણના કરવામાં આવી હતી. બાંધકામની મંજૂરી આપતા સમયે પ્લોટની માપ-સાઈઝ પ્રમાણે ખુલ્લી રાખવાની જમીન બાબતે આંખ આડા કાન કરવામાં આવ્યા હતા. અરજી મળ્યા બાદ તંત્ર તરફથી સરપંચને કાર્યવાહી કરવાનો આદેશ હોવા છતાં મહિલા સરપંચે બિલ્ડીંગ ધારકોને માત્ર નોટિસ પાઠવી કાર્યવાહી કરી હોવાનો સંતોષ માન્યો હતો. અનઅધિકૃત બાંધકામો તોડી પાડવાની સત્તા હોવા છતાં એ સત્તાનો ઉપયોગ ન કરીને ફરજમાં બેદરકારી દાખવી હોવાની પણ અરજદારે વારંવાર રજૂઆતો કરી હતી. તમામ રજુઆત વખતે તારીખોમાં અનઉપસ્થિત રહી મહિલા સરપંચે ફરજ પ્રત્યે વધુ બેદરકારી દાખવી હોવાની, ફરજો બજાવવામાં ગેરવર્તણૂક કરી હોવાની તેમજ હોદ્દાનો દુરુપયોગ કર્યો હોવાની નોંધ લઈ મોરબી જિલ્લા વિકાસ અધિકારી પી.જે. ભગદેવે પંચાયત અધિનિયમ-1993ની કલમ-57(1) હેઠળ તેઓને મળેલી સત્તાની રુએ 4 ડિસેમ્બર 2020ના રોજ રવાપરના મહિલા સરપંચ રમાબેન સંજયભાઈ અધારાને સરપંચના હોદ્દા પરથી દૂર કરવાનો હુકમ કર્યો છે.