રોડ પ્રશ્ને અનેક રજૂઆત છતાં તંત્રની આંખ ન ઉઘડતા મહિલાઓ અને સ્થાનિકો રસ્તા પર ઉતર્યા, નિલેશ એરવાડિયા પણ ચક્કાજામમાં પહોંચ્યામોરબી : મોરબીના રવાપર વિસ્તારમાં રોડના પ્રશ્નને લઈ સ્થાનિકોએ રવાપર ચોકડી પાસે ચક્કાજામ કરી દીધો છે. સ્થાનિકોએ માંગ કરી છે કે મેયર-કમિશનર આવી ખાતરી ન આપે ત્યાં સુધી તેઓ હટશે નહિ. વધુમાં અહીં ચક્કાજામ સ્થળે નિલેશ એરવાડિયા પણ આવી પહોંચ્યા છે. વૈભવનગર, નીતિનનગર, ચિત્રકૂટ અને રવાપર મેઈન રોડના રહીશોએ વારંવારની રજૂઆતો છતાં કોઈ ઉકેલ ન આવતા આખરે રવાપર ચોકડી ખાતે વિરોધ નોંધાવી ચક્કાજામ કર્યો હતો.વિરોધ કરી રહેલા આગેવાનોના જણાવ્યા અનુસાર, ગોકળગાય ગતિએ ચાલતા આ રોડના કામ બાબતે તંત્રને અત્યાર સુધીમાં 52 થી વધુ વખત આવેદન અને અરજીઓ આપીને રજૂઆત કરવામાં આવી છે. આમ છતાં, નિંભર તંત્ર દ્વારા આ અરજીઓને ધ્યાનમાં લઈને કોઈ જ કામગીરી કરવામાં આવી નથી. જેના પરિણામે આખરે સ્થાનિકો અને માતા-બહેનોને રસ્તા પર ઉતરીને ચક્કાજામ કરવાની ફરજ પડી છે.રઘુપતિ હાઈટ્સમાં રહેતા અને અન્ય સ્થાનિક મહિલાઓએ પોતાનો રોષ ઠાલવતા જણાવ્યું હતું કે, છેલ્લા 4 વર્ષથી આ સમસ્યા યથાવત છે અને કોઈ જ કામ કરતું નથી. પાણીના નિકાલની વ્યવસ્થા ન હોવાથી રસ્તાઓ ખરાબ છે. રસ્તા પરથી પસાર થતી વખતે બાળકો અને વૃદ્ધો પડી જાય છે અને હાથ-પગ ભાંગવાના ગંભીર બનાવો પણ અવારનવાર બને છે. મહિલાઓને રોજિંદી જરૂરિયાતની વસ્તુઓ કે શાકભાજી લેવા જવામાં પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. રોડની ખરાબ હાલતને કારણે ટ્રાફિકની પણ ગંભીર સમસ્યા રહે છે.રોષે ભરાયેલા લોકોએ સ્પષ્ટ શબ્દોમાં ચીમકી ઉચ્ચારી છે કે જ્યાં સુધી મેયર અને કમિશનર રૂબરૂ અહીં આવીને ટૂંકા ગાળામાં રસ્તાનું કામ શરૂ કરવાની ખાતરી નહીં આપે, ત્યાં સુધી આ ચક્કાજામ હટાવવામાં આવશે નહીં. તદુપરાંત, જો આવનારા સમયમાં કામ વહેલી તકે શરૂ નહીં થાય તો આનાથી પણ મોટું આંદોલન અને ચક્કાજામ કરવામાં આવશે.#MorbiUpdate #MorbiNews #RavaparRoad #ChakkaJam #MorbiTraffic #LocalProtest #GujaratNews #PublicOutrage #MorbiCity