હળવદ: સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, માથક શાખામાંથી પાક ધિરાણ લોન લીધા બાદ સમયસર રકમ પરત ન કરતા રાતાભેગામના ધીરુભાઈ હઠીસંગભાઈ રજપૂતને હળવદ કોર્ટે સિવિલ જેલનો આદેશ કર્યો છે.પ્રાપ્ત માહિતી અનુસાર, ધીરુભાઈ હઠીસંગભાઈ રજપૂતે ૨૬ જૂન ૨૦૧૪ના રોજ બેંકમાંથી રૂ. ૨,૯૮,૦૦૦ ની પાક ધિરાણ લોન લીધી હતી. આ લોન સમયસર પરત ન ભરતા તેમનું ખાતું એન.પી.એ. (નોન-પર્ફોર્મિંગ એસેટ) જાહેર કરવામાં આવ્યું હતું. બેંકે તેમની પાસેથી લેણાં વસૂલ કરવા માટે ૧૬ સપ્ટેમ્બર ૨૦૨૩ના રોજ હળવદની પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો, જેમાં રૂ. ૪,૮૬,૫૩૯ ની વસૂલાત માંગવામાં આવી હતી. આ કેસ ૨૪ નવેમ્બર ૨૦૨૩ના રોજ મંજૂર થયો હોવા છતાં, ધીરુભાઈએ બેંકની લેણી રકમ જમા કરાવી ન હતી. આથી, બેંકે ૫ જાન્યુઆરી ૨૦૨૪ના રોજ રૂ. ૫,૨૨,૪૫૪/- અને ચડત વ્યાજ વસૂલ કરવા માટે હળવદ કોર્ટમાં દરખાસ્ત દાખલ કરી. આ દરખાસ્તની નોટિસ ધીરુભાઈને બજાવવામાં આવી હોવા છતાં તેઓ હાજર રહ્યા ન હતા અને બચાવની સંપૂર્ણ તક આપવા છતાં પણ તેઓ કોર્ટમાં હાજર રહ્યા ન હતા.આ સંજોગોને ધ્યાનમાં રાખીને, હળવદના પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ એન.જી. સુરતી સાહેબે ૧ ઓગસ્ટ ૨૦૨૫ના રોજ ધીરુભાઈ હઠીસંગભાઈ રજપૂતને સિવિલ જેલમાં મોકલવાનો હુકમ કર્યો હતો. આ હુકમના અનુસંધાને, ૪ ઓગસ્ટ ૨૦૨૫ના રોજ ધીરુભાઈને ૩૦ દિવસ માટે સિવિલ જેલમાં મોકલી દેવામાં આવ્યા છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, માથક શાખા વતી એડવોકેટ રઘુવીરસિંહ જે. ઝાલાએ કેસ લડ્યો હતો. તેમ યાદીમાં જણાવાયું છે.