મોરબી શહેરના નાગરિક દ્વારા શહેરી વિકાસ વિભાગને રજુઆત મોરબી : સૌરાષ્ટ્રની સૌથી મોટી મોરબી નગરપાલિકા પ્રજાના તમામ પ્રશ્ને સુવિધા આપવામાં નિષ્ફળ નીવડી છે. ઠેરઠેર કચરાના ગંજ, ઉભરાતી ગટર, બંધ સ્ટ્રીટ લાઈટ, સફાઈનો અભાવ, ખરાબ રોડ રસ્તાની હાલત સુધારવામાં નગરપાલિકા કોઈ કાર્યવાહી કરતું ન હોય પ્રજાની પ્રાથમિક સુવિધા પૂરી પાડવામાં ભારે બેદરકારી દાખવનાર તેંમજ મોરબી ઝૂલતાપૂલ દુર્ઘટનામાં પણ જવાબદાર માનતી મોરબી નગરપાલિકાને સુપરસિડ કરવાની માંગ સાથે જાગૃત નાગરિક દ્વારા રાજ્યના શહેરી વિકાસ વિભાગના સચિવને રજુઆત કરવામાં આવી છે. મોરબીના જાગૃત નાગરિક દલસુખભાઈ મૂળજીભાઈ ચૌહાણએ રાજ્યના શહેરી વિકાસ વિભાગના સચિવને રજુઆત કરી હતી કે,મોરબીની ગોઝારી પુલ દુર્ઘટનામાં બેદરકારી દાખવવાની સાથે મોરબી નગરપાલિકા તમામ મોરચે નિષફળ નીવડી છે. નગરપાલિકા પ્રજાને સુખાકારી આપવામાં જરાય રસ દાખવતી નથી. પાલિકાના શાસકો અને ચૂંટાયેલા સભ્યો પ્રજાના પ્રશ્નો ઉકેલવામાં ભારે બેદરકારી દાખવી રહ્યા છે.શહેરનો પોશ વિસ્તાર હોય કે છેવાડાનો પછાત વિસ્તાર દરેક જગ્યાએ એક જ પ્રાથમિક સુવિધાના અભાવની રામાયણ છે.આથી નગરપાલિકાના શાસકો અને ચૂંટાયેલા સભ્યો પોતાની ફરજમાં બેદરકાર રહેતા સરકારને ભારે નુકશાન થઈ રહ્યું છે. વધુમાં ઉમર્યું હતું કે, શહેરમાં સફાઈનો અભાવ છે. જ્યાં જુઓ ત્યાં કચરાના ગંજ ખડકાયેલા છે. ઠેરઠેર ગટર ઉભરાય છે. રખડતા ઢોરનો જાહેર માર્ગથી માંડીને દરેક શહેરની શેરી ગલીમાં ત્રાસ છે. રોડ રસ્તા ખરાબ છે. મોટાભાગના રોડ રસ્તા ઉપર ગાબડા પડ્યા છે. ઘન કચરાના નિકાલની કોઈ વ્યવસ્થા નથી. આ તમામ પ્રશ્નો ઉપરાંત ગોઝારી પુલ દુર્ઘટના મામલે જવાબ8 મોરબી નગરપાલિકાને સુપરસિડ કરવાની તેઓએ માંગ ઉઠાવી છે.