મોરબી : મોરબીમાં ભારતીય જનતા પક્ષના ઝંડા મારવા પાલિકાના વાહનનો ગેરઉપયોગ થતો હોવાના આક્ષેપ સાથે મહેશ રાજ્યગુરુ દ્વારા જિલ્લા કલેક્ટરને રજુઆત કરવામાં આવી છે. રજુઆતમાં જણાવાયું છે કે મોરબી શહેરની ભાજપ શાસિત નગરપાલિકાએ પ્રજાના પૈસાથી જે વાહનો ખરીદેલ છે તે વાહનોનો ગેર ઉપયોગ તેમના પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ આવતા હોય તેને આવકારવાના રોડ ઉપર બેનર અને ઝંડા લગાવવામાં આવેલ છે. તે નગરપાલિકાના વાહનો અને માણસો દ્વારા લગાવવામાં આવેલ છે આ વાહનો અને માણસોનો પગાર મોરબીની પ્રજા ના ટેક્સ ભરેલ છે તેમાંથી થાય છે અને વાહનોમાં ડીઝલ પણ મોરબી શહેરની પ્રજાએ ભરેલા ટેક્સમાંથી વપરાય છે તો ભારતીય જનતા પક્ષને આ એવો કયો અધિકાર છે કે મોરબી શહેરમાં એમના પક્ષના ઝંડા લગાવવા માટે મોરબી નગરપાલિકાના વાહનોનો ગેર ઉપયોગ કરી શકે. જેને આવી સુચના આપેલ છે એવા કર્મચારી હોય કે સુધરાઈ સભ્યો હોય કે અન્ય હોદ્દેદારો હોય તેમની સામે કડકમાં કડક પગલાં લઈ નગરપાલિકાના વાહનોમાં જે ખર્ચાઓ થયેલ છે ડીઝલ અને ડ્રાઇવરના પગારનો તે તેમની પાસેથી વસૂલવો જોઈએ અને જે કોઈ હોદ્દેદારોએ આ બાબતની સૂચના આપી હોય તો તેમની સામે તેમનું સદસ્ય પદ રદ કરવા માટે શહેરી વિકાસ સચિવ્ને જાણ કરવી જોઈએ. મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર તાત્કાલિક આ ભાજપના ઝંડા મારતા નગરપાલિકાના કર્મચારી અને નગરપાલિકાના વાહનોને કબજામાં લઈ લેવા જોઈએ. આ બાબત હજી યોગ્ય કરવામાં નહીં આવે તો જ્યાં નગરપાલિકાના વાહનો ઝંડા મારતા હશે ત્યાં વાહનો રોકવામાં આવશે. તેમ મોરબી જિલ્લા કોંગ્રેસના મહામંત્રી મહેશભાઈ રાજ્યગુરૂની યાદીમાં જણાવાયુ છે.