ખુદ ગ્રામ પંચાયતના સદસ્યએ 15મી નાણાંપંચમાં ભારે ગોટાળા થયાની શંકા સાથે જવાબદારો સામે કડક કાર્યવાહી કરવા ટીડીઓ સમક્ષ ઉઠાવી માંગ હળવદ : હળવદ તાલુકાના ચરાડવા ગામે છ મહિના પહેલા 15માં નાણાપંચની યોજના હેઠળ વિવિધ કામો મંજુર થયા હોય પણ ગ્રામ પંચાયતના જવાબદારોએ કામો કર્યા વગર બરોબર ગ્રાન્ટમાંથી લાખો રૂપિયા ઉપાડી લઈને ભ્રષ્ટાચાર કર્યાની ખુદ ગ્રામ પંચાયતના સદસ્યએ આશંકા વ્યક્ત કરી છે. એટલું જ નહીં નાણાંપંચની ગ્રાન્ટમાંથી ક્યારે ક્યારે પૈસા ઉપડ્યા તેના સમગ્ર પુરાવા સાથે તેઓ ટીડીઓને રજુઆત કરી ગામના કામો કર્યા વગર લાખો હડપ કરનારને બેનકાબ કરી કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. ચરાડવા ગ્રામ પંચાયતના સદસ્ય ચંદુભાઈ ઈશ્વભાઈ મોરીએ ટીડીઓને રજુઆત કરી હતી કે, ચરાડવા ગામમા છ મહિના પહેલા સરકારની 15મી નાણાપંચની યોજના હેઠળ ગામમાં વિવિધ વિકાસ કામો કર્યાનો દાવો કરવામાં આવ્યો હતો. પણ હકીકતમાં આ કામો થયા જ નથી. છતાં સરકારની યોજનામાંથી બોગસ વાઉચર બનાવીને બરોબર લાખો રૂપિયા હડપ કરી લેવામાં આવ્યા હતા. જેમાં 1લી એપ્રિલના રોજ અનુસૂચિત સમાજના સીસી રોડ બનાવ્યા વગર બોગસ વાઉચર બનાવીને રૂ.133200, હનુમાનજીના મંદિરથી ઉગમડા દરવાજા તરફના પેવર બ્લોક નાખ્યો ન હોવા છતાં તેનું ખોટું બિલ બનાવી રૂ.54000, અન્ય એક વિસ્તારના રોડ ન બનાવીને ખોટા બિલો બનાવી રૂ.270000 મળીને કુલ રૂ.547200 ઉપાડીને હડપ કરી લીધા હતા. આ ગ્રાન્ટના પૈસા ઉપડી ગયા હોય એને છ માસ થયા છતાં એકપણ કામ થયા નથી. આથી ગ્રામ પંચાયતના જવાબદારોએ ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર કર્યો હોય તેના પુરાવા સાથે તેઓએ ટીડીઓને રજુઆત કરી આ સમગ્ર કૌભાંડની તટસ્થ તપાસ કરવાની માંગ કરી છે.