સ્થાનિક મહિલાઓની મહાપાલિકામાં રૂબરૂ રજુઆત : ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થયે પ્રશ્ન દૂર થવાની તંત્રની હૈયાધારણા મોરબી : મોરબીના વિશિપરામાં સનરાજપાર્કમાં બે મહિનાથી પાણી ન મળતું હોવાની રાવ ઉઠી છે. જેને પગલે સ્થાનિક મહિલાઓએ આજે મહાપાલિકા કચેરીએ આવી અધિકારીઓને રૂબરૂ રજુઆત પણ કરી છે. આ મામલે સ્થાનિક મહિલાઓએ જણાવ્યું કે વિશિપરામાં સનરાજપાર્કમાં 60થી 70 જેટલા મકાનોને છેલ્લા બે મહિનાથી પાણી મળતું નથી. હાલ રમઝાન માસ ચાલી રહ્યો છે. તેવામાં પાણી વગર ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ મામલે મહાપાલિકાના અધિકારીઓને રજુઆત કરી છે. તેઓએ ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થયે પ્રશ્ન દૂર થશે તેવું આશ્વાસન આપ્યું છે.આ મામલે પાલિકા પાણી પુરવઠા અધિકારી હર્ષદ કંસારાએ જણાવ્યું કે પાણીની લાઈન ડાયરેકટ છે તેમાં વાલ સીસ્ટમ કરવાની ઓનલાઈન ટેન્ડરની પ્રક્રિયા ચાલુ છે. વધુમાં તે સમયે વિશિપરામાં વસ્તી ઓછી હતી. તે પ્રમાણે લાઈન નખાયેલી હતી. મોટી લાઈન નાખવાની, પીવીસીની બદલે ડીઆઈ પાઇપ નાખવા સહિતના કામ આગામી સમયમાં હાથ ધરવામાં આવશે.