દંડની રકમ ઓનલાઈન ભર્યા બાદ એરર આવતા રિસીપ્ટ ન નીકળી હોવાથી કારચાલક પરેશાનમોરબી : મોરબીમાં આરટીઓનો મેમો ઓનલાઈન ભર્યા બાદ રિસીપ્ટ ન મળતા વાહન ઘણા દિવસથી છોડવામાં આવી ન રહ્યું હોવાની રાવ એક વાહનચાલક દ્વારા કરવામાં આવી છે. જો કે આરટીઓએ આને એરર ગણાવી ઉપરી કક્ષાએ ધ્યાન દોર્યું હોવાનું જણાવ્યું છે. આ અંગે વિગતો આપતા રાજકોટના ગજેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું કે ગત તા.30ના રોજ બપોરે તેઓ સ્વીફ્ટ કાર લઈને વાંકાનેર ગયા હતા. જ્યાં કાર અડચણરૂપ હોવાના કારણે આરટીઓનો મેમો આપી કાર ડિટેઇન કરવામાં આવી હતી. તેઓએ તે જ દિવસે મોરબી આરટીઓએ જઈ ઓનલાઈન દંડની રકમ ભરી દીધી હતી પણ રિસીપ્ટ ન નીકળતા કાર હજુ સુધી છૂટી નથી. જેના કારણે તેઓ મોરબીના ધક્કા ખાઈ રહ્યા છે. આવી જ રીતે બીજા પણ અનેક લોકો હેરાન થઈ રહ્યા છે. આ મામલે એઆરટીઓ રોહિત પ્રજાપતિએ જણાવ્યું કે આવી 3 રજુઆત મળી છે. જેમાં ઓનલાઈન પેમેન્ટ કર્યું હોય તે વેળાએ એરર આવી જતા રિસીપ્ટ નીકળી નથી. ઓનલાઈન ટ્રાન્ઝેક્શન થયું હોય તેવા કિસ્સામાં બાદમાં કેશ ટ્રાન્ઝેક્શન થઈ શકતું નથી. આ મામલે ઉપરી કક્ષાએ ધ્યાન દોર્યું છે. ટૂંક સમયમાં આ ફરિયાદનો નિકાલ આવી જશે.