માળીયા (મી.) : મોરબીમાં મચ્છુ નદીના મુખત્રિકોણ ભાગ નજીક મીઠા ઉદ્યોગકારો દ્વારા મહાકાય પાળાઓ બાંધી દેવાતા વરસાદી પાણીનો નિકાલ ન થતો હોવા બાબતે કોંગ્રેસ સભ્ય ઈકબાલ સંધવાણી દ્વારા જિલ્લા કલેકટરને લેખિત રજૂઆત કરવામાં આવી છે. જેમાં મીઠા ઉદ્યોગકારો દ્વારા ગેરકાયદે બનાવેલ પાળાઓ તાકીદે હટાવી લેવાના હાઇકોર્ટનો આદેશનો ઉલ્લંઘન થતો હોવાનું જણાવાયું છે. આ રજૂઆત અનુસાર માળીયા–મીયાણા શહેર અને તાલુકાના ગામોમાં મીઠાના ઉદ્યોગપતિઓ દ્વારા નિયમ વિરૂધ્ધ મહાકાય પાળાઓ બનાવી લેતા ચોમાસા દરમ્યાન કુદરતી રીતે નિકાલ થનાર વરસાદી પાણી અને મચ્છુ ડેમમાંથી છોડાતું પાણી મહાકાય પાળાઓથી રોકાઈ જતા કચ્છના (નાના રણ) દરીયામાં નીકાલ નહીં થતા માળિયા શહેરની અને તાલુકાની જનતાએ દર વર્ષે રહેણાંક વિસ્તારોમાં ગળાડુબ પાણી ભરાઈ જતા વિકરાળ પરિસ્થીતીનો સામનો કરવો પડે છે. ખેતીના પાક અને સરકારી મીલ્કતોને ભારે નુકશાની થાય છે. જે બાબતે અગાઉ રજુઆતો કરાય છે છતા તંત્ર ભારે નિંદ્રામાં રહેતું હોઈ ના છુટકે આગેવાનો દ્વારા જનહીતમાં હાઈકોર્ટમાં દાદ માંગવા જવું પડ્યું છે અને ગત ઓક્ટોબર ૨૦૨૦માં નામદાર હાઈકોર્ટ દ્વારા ઉપરોકત ગેરકાયદે બનાવી લેવાયેલ મહાકાય પાળાઓ તાત્કાલીક હટાવી લેવાનો સ્ટે હુકમ કરાયો હોવા છતા પણ આવા જનહીતનાં હુકમને ઘોળીને પી જવામાં આવેલ હોવાથી ચાલુ સાલના ચોમાસા દરમ્યાન વરસાદી પાણીથી ખેતીના પાકને કે જનતાના જીવને જો કોઈ પણ પ્રકારનું નુકશાન થશે તો ફરજ પ્રત્યે બેદરકારી દાખનાર તંત્રની સંપૂર્ણ જવાબદારી રહેશે. તેમ જણાવાયું છે.