ટંકારા : ટંકારા તાલુકાના નાના રામપર ગામે મંદિરના નવ નિર્માણમાં અને મંડળીમાં માથાભારે શખ્સો માથાકુટ કરીને અડચણ ઉભી કરતાં હોવાની ફરિયાદ મામલતદાર અને પોલીસને કરવામાં આવી છે.ગ્રામજનોના જણાવ્યા પ્રમાણે ગામના પાદરે રામદેવપીરનું જુનું મંદિર આવેલું હતું તે પાડીને નવું મંદિર બનાવવામાં આવી રહ્યું છે. ત્યારે ગત તારીખ 6 એપ્રિલની રાત્રે મંદિર નજીક રહેતા રણજીતસિંહ ઉર્ફે રણુભા ઝાલા કાર લઈને આવ્યા હતા. તેઓ નશાની હાલતમાં હતા અને મંદિરના કામ કરી રહેલા ગ્રામજનો સાથે માથાકૂટ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ઉપરાંત લેખિત રજૂઆત કરી સહકારી મંડળીની કાર્યવાહી પોતાની માલિકીની જગ્યામાં કરી મંડળીના સભ્યો સાથે અસભ્ય વર્તન કર્યાની ફરિયાદ કરી હોવા છતાં પગલાં લેવામાં આવ્યા ન હોય આ મામલે પણ યોગ્ય કાર્યવાહી કરવા મામલતદાર અને પોલીસને રજૂઆત કરાઈ છે.આ સમગ્ર મામલે રણજીતસિંહ ઝાલાનો ટેલિફોનિક સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે, આ એક રાજકીય ખાર રાખી કુટુંબના ભાઈઓને આગળ ધરી ખોટી ફરિયાદ કરવાનું કાવતરું છે. મેં દોઢ દશકો મંડળના પ્રમુખ તરીકે ફરજ બજાવી છે અને તાલુકા મથકે પણ સહકારી અગ્રણી તરીકે કાર્યરત હતો. મંદિર નવનિર્માણ અંગે વાત કરતાં તેમણે કહ્યું કે, મંદિરનો કાટમાળ રસ્તા વચ્ચે ઢાલવી દેવાયો હોય મારા ઘરે આવવા-જવામાં અડચણરૂપ હોય તે અંગે ધ્યાન દોર્યું હતું.