ખેડૂતોની કલેકટરને રજુઆત : જો કામ અટકાવામાં નહિ આવે તો આંદોલનની ચીમકીવાંકાનેર : વાંકાનેરના જેતપરડા અને મોટા ભોજપરા ગામે સોલાર કંપની અને કોન્ટ્રાકટર દ્વારા પરવાનગી વગર બળજબરી પૂર્વક લાઈન કાઢવા માટે વીજ પોલ નાખવામાં આવી રહ્યા હોવાના આક્ષેપ સાથે ખેડૂતોએ જિલ્લા કલેક્ટરને રજુઆત કરી છે.વાંકાનેર તાલુકાના જેતપરડા અને મોટા ભોજપરા ગામના અલીભાઇ અમીભાઇ શેરસીયા સહિતના ખેડૂતોએ રજુઆતમાં જણાવ્યું છે કે તેઓની જમીન સીમમાં પાટળાનો માર્ગ અને મિનડોળીયુના નામથી ઓળખાતા રસ્તા ઉપર આવેલી છે. સોલાર કંપની ઓપેરા ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને કોન્ટ્રાક્ટર કનૈયા એન્ટરપ્રાઇઝ તથા ક્લીન મેક્સ પાવરિંગ શેઢા ઉપર, સરકારી રાજાશાહીના ખેત જમીન આવન જાવનના જાહેર રસ્તા ઉપર, ગાડા માર્ગ ઉપર, ખેડુતના આવન જાવનના કાયદેસરના હક્કના રસ્તા ઉપર સોલાર પ્રોજેકટનો પાવર પસાર કરવા માટેના વીજ પોલ ઉભા કરી રહ્યા છે. આ માટે સરકાર પાસેથી કે લગત કચેરી / વિભાગોની લેખિત પરવાનગી લેવાઈ નથી. ખેડુતોને ભાડુ કે વળતરની ચુકવણી કરવામાં આવી નથી. જેતપરડા ગ્રામ પંચાતમાંની પૂર્વ પરવાનગી કે ઠરાવ, સીમમાંથી પસારથી ગેસ લાઇન કંપની અને જેટકો કંપનીની લેખિત પરવાનગી લેવામાં આવી નથી. બળજબરીથી આ કામ થઈ રહ્યું છે. જો સોલાર પ્રોજકેટની વીજળી પસાર કરવા માટેના વીજ થાંભલા ઉભા કરવાની કામગીરી અટકાવવામાં નહિં આવે તો આવનાર સમયમાં ખેડુતોએ ગાંધી ચીંધ્યા માર્ગે જલદ પ્રકારના આંદોલનો કરવાની ફરજ પડશે.