મોરબી : મોરબીમાં પેરાલિસિસ એટેકના કારણે પથારીવશ થયેલા મહિલાએ હોંશભેર મતદાન કર્યું હતું. આ મહિલાએ પોતે શારીરિક સક્ષમ ન હોવા છતાં તકલીફ વેઠી મતદાન કરીને યુવા મતદારોને મતદાન અવશ્યપણે કરવાની પ્રેરણા પુરી પાડી છે. મોરબીના સામાકાંઠે મિલનપાર્ક સોસાયટીમાં આવેલ ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં રહેતા 58 વર્ષીય રંજનબેન ગણપતભાઈ વારેવડીયાના આશરે છ મહિના પહેલા જીવનમાં અણધર્યો વણાંક આવ્યો હતો.જેમાં રંજનબેનને પેરેલિસિસનો એટેક આવતા તેઓ પથારીવશ થઈ ગયા હતા. હલનચલન બિલકુલ કરી શકતા નથી.જો કે તબીબી સારવારના અંતે તેમની તબિયત હાલ સુધારા પર છે પણ પેરેલીસીસના એટેકના કારણે શરીર કામ કરતું ન હોવાથી દિનચર્યા માટે વહીલચેરનો સહારો લેવો પડે છે. આવી તકલીફ ભોગવતા હોવા છતાં રંજનબેને નગરપાલિકાની ચૂંટણીમાં મતદાન કરવા પોતાના મતદાન મથકે પહોંચ્યા હતા. અને મતદાન કરી લોકશાહી પર્વને ખરા અર્થમાં ઉજવ્યો હતો.