મોરબી : આગામી દિવસોમાં હોળી તથા રમજાન ઈદનો તહેવાર આવી રહ્યો છે ત્યારે મોરબી મહાનગરપાલિકા દ્વારા જાહેર જગ્યાઓ પર તહેવાર માટે ટેમ્પોરરી સ્ટોલ ઉભા કરવા માટે મહાનગરપાલિકાની પૂર્વ મંજૂરી લેવી ફરજિયાત હોવાનું જણાવાયું છે.સ્ટોલ ઉભા કરવા માટે મોરબી મહાનગરપાલિકા કચેરીમાં લેખિતમાં અરજી કરવાની રહેશે. અરજી કરવા માટે ઓળખપત્ર, સ્ટોલ લગાવવાની ચોક્કસ જગ્યા અને ઉપયોગ માટેની વિગત, વ્યવસાય સંબંધિત જરૂરી લાઈસન્સ આપવું પડશે. અરજીની ચકાસણી બાદ મોરબી મહાનગરપાલિકા દ્વારા સ્થળ તપાસ કર્યા બાદ મંજૂરી આપવામાં આવશે. મંજૂર થયેલ અરજી માટે નક્કી કરેલી ફી ભરી રસીદ મેળવવી અને મંજૂરીની નકલ મંજૂર થયેલી જગ્યાએ જાહેરમાં પ્રદર્શિત કરવાની રહેશે. 100 ચો. ફૂટના સ્ટોલની ફી પ્રતિદિન 1 હજાર રૂપિયા, 100 થી 200 ચો. ફૂટના સ્ટોલની ફી 2 હજાર રૂપિયા પ્રતિ દિન અને 200 થી 300 ચો. ફૂટના સ્ટોલની ફી પ્રતિદિન 3 હજાર રૂપિયા ભરવાની રહેશે. અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ 5 માર્ચ રહેશે. મહાનગરપાલિકાની મંજૂરી વિના કોઈપણ જાહેર જગ્યાએ સ્ટોલ ઉભા કરવામાં આવશે તો દંડનીય કાર્યવાહી થશે. અવરોધ ઉભો કરનાર સ્ટોલ હટાવી લેવામાં આવશે.