હળવદ પંથકમાં ગૌવંશ પર હુમલાઓના બનાવો ઉતરોતર વધતા ગૌપ્રેમીઓ ઉગ્ર આક્રોશ : ગૌવંશ પર હુમલા કરનાર સામે કડક કાર્યવાહીની ઉગ્ર માંગ હળવદ : પાછલા થોડા દિવસોથી ખાસ કરીને હળવદના ગ્રામ્ય વિસ્તારમાં ગૌવંશ પર હુમલા થવાના બનાવો છાશવારે પ્રકાશમાં આવી રહ્યા છે ત્યારે વધુ એક બનાવ હળવદ તાલુકાના રણછોડગઢ ગામે પ્રકાશમાં આવ્યો છે. જ્યાં એક ગૌવંશને ધારિયાના ઘા મારવામાં આવ્યા છે, જ્યારે બીજા પર એસિડ ફેંકવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. જેથી, ગૌવંશ પર હુમલા કરતા શખ્સો સામે પોલીસ કડક હાથે કાર્યવાહી કરે તેવી ગૌ પ્રેમીઓમાં માંગ ઉઠવા પામી છે. જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના રણછોડગઢ ગામે ગત રાત્રીના કોઈ અજાણ્યા શખ્સો દ્વારા બે ગૌવંશ પર ધારીયાથી અને એસીડ ફેંકી હુમલો કરાતા દર્દથી કણસતા બંને ગૌવંશને જોઈ ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો હતો. તેમજ ગામલોકો આવું કૃત્ય કરનાર શખ્સો સામે લોકો ફિટકાર વરસાવી રહ્યા હતા. હાલ તો બંને ગૌવંશને ગામના ગૌપ્રેમી યુવાનો દ્વારા પ્રાથમિક સારવાર આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. તેમજ આ બનાવ અંગે ગ્રામજનો દ્વારા પોલીસને પણ જાણ કરાતા પોલીસ રણછોડગઢ ગામે દોડી ગઈ હતી અને હુમલો કરનાર શખ્સો સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવનાર હોવાનું જણાવા મળ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે હજુ થોડા દિવસ પહેલાં જ હળવદ તાલુકાના જુદા-જુદા ચારથી વધુ ગામોમાં ગૌવંશ પર હુમલા કરવામાં આવ્યા હતા. જેમાં પોલીસ દ્વારા તપાસ પણ કરવામાં આવી હતી પરંતુ ગ્રામજનોનો સહયોગ ન મળતા પોલીસ હુમલા કરનાર શખ્સો સુધી પહોંચી શકી ન હતી. જેથી, જાગૃત લોકો જણાવી રહ્યા છે કે ખાસ કરીને જે ગ્રામ્ય વિસ્તારમાં ગૌવંશ પર હુમલા થઈ રહ્યા છે. તેમાં ગામ ના જ કોઈ શખ્સો દ્વારા હુમલો કરતા હોય છે. જેથી, કોઈની પણ સેહ શરમ કે ડર રાખ્યા વિના અબોલ પશુઓ પર હુમલો કરનાર શખ્સો સામે કડક હાથે કાર્યવાહી થાય તે માટે પોલીસને મદદરૂપ બનવા અપીલ કરી રહ્યા છે.