મોરબી : મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખના બંધ બંગલેથી પાણીનો બેફામ વેડફાટ થઈ રહ્યો હોવાનું ધ્યાને આવ્યું છે. આ બંગલાથી રોડ સુધી પાણીની નદી વહી રહી હોય તેવા દ્રશ્યો દરરોજ સર્જાતા હોય લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના સામાકાંઠે એલઇ કોલેજ રોડ ઉપર જિલ્લા પંચાયતના પ્રમુખનો બંગલો આવેલો છે. જેમાં હાલ કોઈ રહેતું નથી. આ બંધ બંગલામાંથી કોઈ કારણોસર અવારનવાર પાણીનો બેફામ વેડફાટ થઈ રહ્યો છે. બંગલામાંથી નીકળેલું પાણી છેક રોડ સુધી નદીની માફક વહી રહ્યું છે. તેવામાં રોડ ઉપર મોટા ખાડાઓ હોય જેમાં પાણી ભરાતા ખાડાઓ દેખાતા નથી. તેના કારણે વાહનચાલકો ઉપર પણ જોખમ સર્જાઈ રહ્યું છે. એક તરફ મોરબીના અનેક વિસ્તારોમાં પાણીની સમસ્યા છે. પાણી ન મળતું હોવાની રાવ સાથે મહાપાલિકાએ રજૂઆતો થઈ રહી છે. તેવામાં પદાધિકારીના બંધ બંગલામાંથી પાણીનો બેફામ વેડફાટ થઈ રહ્યો હોવાની ઘટના સામે આવતા લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે.આ અંગે જિલ્લા પંચાયતના કાર્યપાલક ઈજનેર દિવ્યેશ બાવરવાએ જણાવ્યું કે શેના કારણે પાણી નીકળે છે તે અંગેની તપાસ કરી રીપેરીંગ કામ કરવામાં આવશે.