પીજીવીસીએલને 71 લાખ રૂપિયાનું એડવાન્સ પેમેન્ટ ચૂકવ્યા છતાં કેબલ અને મીટર નાખવાની કામગીરી ટલ્લે ચડીમોરબી અપડેટ : મોરબી શહેરમાં રાત્રિના અંધકારને દૂર કરવા માટે લગાવવામાં આવેલી સ્ટ્રીટ લાઈટો દિવસે પણ ચાલુ રહેતા મોટા પ્રમાણમાં વીજળીનો વ્યય થઈ રહ્યો છે. અગાઉ નગરપાલિકા વખતે શહેરમાં 25000 આસપાસ લાઈટો હતી, જેની સંખ્યા હવે વધીને 32000 થઈ ગઈ છે. પરંતુ પીજીવીસીએલની કેબલ અને મીટર નાખવાની ઢીલી કામગીરીને કારણે આશરે 3000 જેટલી સ્ટ્રીટ લાઈટો 24 કલાક ચાલુ રહે છે. આ સમસ્યાને હલ કરવા માટે હાલ નવા ટાઈમર અને કોન્ટેકટર મંગાવવાની કામગીરી ચાલી રહી છે, જેથી વીજળીનો આ બેફામ વેડફાટ અટકાવી શકાય.શહેરમાં અનેક વિસ્તારોમાં નવી લાઈટો નાખવામાં આવી છે, પરંતુ પીજીવીસીએલ દ્વારા કેબલ ખેંચવાની કામગીરી હજુ બાકી હોવાથી લાઈટો સતત ચાલુ રહેવાની સમસ્યા સર્જાઈ છે. પીજીવીસીએલને આ કામગીરી માટે લાખો રૂપિયાનું એડવાન્સ પેમેન્ટ કરી દેવામાં આવ્યું છે, તેમ છતાં ટેન્ડર અને લેબરના પ્રશ્નોને લીધે કામગીરી ધીમી ગતિએ ચાલી રહી છે. શહેરના બજરંગ સોસાયટી, સિદ્ધિ વિનાયક, મફતીયા પરા, માધવ પાર્ક, શ્રદ્ધા પાર્ક, કેજીએન સોસાયટી, યમુના સોસાયટી, વિજયનગર, અમરેલી ગામ, શાંતિવન, મદીના, લાયન્સનગર, મશાલની વાડી, લાભનગર, ભાગ્યલક્ષ્મી, સોનાપુરી સ્મશાન, જવાહર સોસાયટી, જંગલેશ્વર મહાદેવ, રામદેવ સોસાયટી, ભડિયાદ રોડ , માળીયા વનાળિયા, સિલ્વર પાર્ક, ત્રાજપર, વાણિયા સોસાયટી, લક્ષ્મીનગર, ગાંધી સોસાયટી, ચામુંડા નગર, સ્લમ ક્વાર્ટર, માંગર વાડી, બુટાની વાડી, દલવાડી સકલ, મચ્છ નગર, ઉમા સોસાયટી, સુંદર પાર્ક, શક્તિ ટાઉનશિપ, પ્રમુખ દર્શન, રવાપર રેસિડેન્સી, સરદાર બંગ્લોઝ, એસપી રોડ, બોની પાક, ઉમિયાનગર, લોટસ ૧૫૮, સમ સેતુ, ઓમકાર રેસિડેન્સી, બોરિયા પાટી મેઇન રોડ અને લાતી પ્લોટ સહિતના વિસ્તારોમાં કેબલ અને મીટરની કામગીરી બાકી છે.સૂત્રોના જણાવ્યા અનુસાર મહાનગરપાલિકા દ્વારા પીજીવીસીએલને મોટાભાગનું એડવાન્સ પેમેન્ટ એક વર્ષ પૂર્વે થઈ ગયું છે. જેમાં કુલ રૂ.71.89 લાખ ચૂકવવામાં આવ્યા છે. છતાં હજુ સુધી માત્ર 3થી 4 જગ્યાએ જ પીજીવીસીએલ દ્વારા કેબલ અને મીટર બન્ને નાખવામાં આવ્યા છે. આ વિસ્તારોમાં અત્યારે 24 કલાક લાઈટો ચાલુ રહેવાની ફરિયાદો મળે છે. હાલ મહાપાલિકા તંત્ર દ્વારા જરૂરી સ્પેરપાર્ટ્સ અને મટિરિયલ મંગાવવા પ્રયાસો થઈ રહ્યા છે, જેથી કામગીરી ઝડપી બની શકે. જોકે, પીજીવીસીએલ પર આધારિત કામગીરીને કારણે તંત્ર પણ લાચાર જોવા મળી રહ્યું છે અને દિવાળી સુધીમાં તમામ કામગીરી પૂર્ણ થવી મુશ્કેલ લાગી રહી છે.જૂના મોરબીના સાંકડા વિસ્તારોમાં દિવસે લાઈટો ચાલુ રહેવાની સમસ્યા આજીવન રહેશેનવા વિસ્તારોમાં રાત્રે લાઈટોનો ઝગમગાટ થઈને બાદમાં સવારે બંધ થઈ જાય છે, પરંતુ જૂના મોરબીના કેટલાક વિસ્તારોમાં દિવસે આજીવન લાઈટો બંધ થઈ શકે તેમ નથી. મોરબીની સાંકડી શેરીઓમાં પીજીવીસીએલની કે મહાપાલિકા તંત્રની કોઈ ગાડી જઈ શકે તેવી જગ્યા ન હોવાથી ત્યાં લાઈન ખેંચી શકાય તેમ નથી. બક્ષી શેરી અને ખોખરાની શેરી જેવા અત્યંત સાંકડા વિસ્તારોમાં માત્ર નાના વાહનો જ માંડ પ્રવેશી શકતા હોવાથી કામગીરી કરવી અશક્ય બની છે.પરા બજારમાં લાઈટની સ્વીચ છે, પણ બંધ કરવાવાળું કોઈ નથીપરા બજાર મેઈન રોડ પર સ્ટ્રીટ લાઈટની સુવિધા તો આપવામાં આવી છે પણ લાઈટ ચાલુ બંધ કરવાવાળું મથી. અહીં ચાની દુકાન આસપાસની 3 જેટલી લાઈટોની સ્વીચ મુકવામાં આવી છે પણ સ્વીચ ચાલુ બંધ કરવા વાળું કોઈ ન હોવાથી તે કાયમ ચાલુ જ રહે છે. આ લાઈટોનું સંચાલન કોઈ કરતું ન હોવાથી લાઈટો ભગવાન ભરોસે મુકાઈ ગઈ છે.રવાપર ચોકડીથી એસ.પી. રોડ સુધીની સ્ટ્રીટ લાઈટો બંધ નવરાત્રી અને દિવાળી જેવા મોટા તહેવારો નજીક આવી રહ્યા છે, ત્યારે લીલાપર જતી કેનાલ ઉપર રવાપર ચોકડીથી બોરીયા પાટી સુધીના માર્ગ પર છેલ્લા 15 દિવસથી સ્ટ્રીટ લાઈટો બંધ હાલતમાં હોવાથી નાગરિકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. આ સમસ્યા અંગે જાગૃત નાગરિકો દ્વારા અગાઉ મહાપાલિકામાં રૂબરૂ ફરિયાદ નોંધાવવામાં આવી હોવા છતાં, તંત્ર દ્વારા માત્ર અડધી જ લાઈટો ચાલુ કરાઈ છે. હાલમાં રવાપર ચોકડીથી એસ.પી. રોડ સુધીનો વિસ્તાર સંપૂર્ણ અંધકારમય રહેતો હોય, તહેવારો પહેલાં તાત્કાલિક ધોરણે નવા થાંભલા નાખી અને બંધ લાઈટોનું સત્વરે સમારકામ કરવામાં આવે તેવી રજૂઆત નાગરિક ચમનલાલ બાપોદરિયા દ્વારા કમિશનર તથા મેયર સમક્ષ કરવામાં આવી છે.સ્ટ્રીટ લાઇટની કડાકૂટમાંથી ગાંઠો છટકાવવા મહાપાલિકા બધું કામ એજન્સીને જ સોંપી દેશેમોરબીમાં રોડની જેમ સ્ટ્રીટ લાઈટનો પ્રશ્ન પણ જૂનો છે. લાઈટને લઈને અનેક પ્રશ્નો સર્જાઈ રહ્યા છે. એક સમયે મહાપાલિકાએ જોરશોરમાં મોરલા વાળી તેમજ અવનવી ડિઝાઈનની લાઈટો ફિટ કરી હતી. પણ થોડા જ સમયમાં આ લાઈટો બંધ હાલતમાં જોવા મળી હતી. હજુ પણ અનેક વિસ્તારોમાં સ્ટ્રીટ લાઈટ બંધ હાલતમાં છે. મહાપાલિકા જાતે રીપેરીંગ માટે સક્ષમ ન હોય આ કડાકુટમાંથી બચવા માટે તાજેતરમાં જ સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં રિપેરીંગનું તમામ કામ એજન્સીને સોંપવાનો નિર્ણય કર્યો હતો.સ્ટ્રીટ લાઇટની 1100 જેટલી ફરિયાદો પેન્ડિંગસ્ટ્રીટ લાઈટની ૧૧૦૦થી વધુ ફરિયાદો મનપામાં પેન્ડિંગ પડી છે. તંત્રને દરરોજ ૮૦થી વધુ નવી ફરિયાદો મળે છે, જેની સામે આશરે ૭૦ ફરિયાદોનો નિકાલ કરવામાં આવે છે. આ સમારકામની કામગીરી માટે મહાનગરપાલિકા પાસે કુલ ચાર ઘોડા (રિપેરિંગ વાહન) છે, પરંતુ તેમાંથી હાલ માત્ર ત્રણ જ વાહનો ચાલુ હાલતમાં હોવાથી કામગીરીને માઠી અસર પહોંચી છે. મોટાભાગની સમસ્યાઓ નવી લાઈટો નાખવા અંગેની હોય છે, પરંતુ હાલ તંત્ર પાસે નવી લાઈટો કે તેને લગતા જરૂરી સામાનનો કોઈ જ સ્ટોક ઉપલબ્ધ નથી. આ મામલે હાલ પૂરતી માત્ર નવી લાઈટો ખરીદવાની ટેન્ડર પ્રક્રિયા જ કરવામાં આવી છે.