અયોધ્યા રામ મંદિરમાં દરરોજ સવારે 6-30 વાગ્યે જાગરણ અને શૃંગાર આરતી, સાંજે 7 વાગ્યે સંધ્યા આરતી થશે : આરતીમા સામેલ થવા પાસ સીસ્ટમમોરબી : પાંચ- પાંચ સદીઓથી જેની આતુરતાપૂર્વક રાહ જોવાતી હતી તે આતુરતાનો અંત આવ્યો છે. અયોધ્યાના રામ મંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા સંપન્ન થતા જ આવતીકાલથી શ્રદ્ધાળુઓ પ્રભુ શ્રીરામના દર્શન કરી શકશે જો કે, દર્શન માટે દરેક શ્રદ્ધાળુઓને ફક્ત 15સેકન્ડનો જ સમય મળશે.રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર દ્વારા રામ મંદિરને સામાન્ય લોકો માટે 23 જાન્યુઆરીથી ખોલી દેવામાં આવશે. દરરોજ દોઢ લાખથી વધુ શ્રદ્ધાળુઓ આવશે તેવી શક્યતા છે. તેથી રામલલાના દર્શન માટે દરેક શ્રદ્ધાળુઓને દર્શન કરવા માટે 15થી 20 સેકન્ડનો જ સમય મળશે.શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની વેબસાઈટ મુજબ, મંદિરને દર્શન માટે સવારે અને સાંજે એમ સાડા 9 કલાક ખુલ્લું રાખવામાં આવશે. સવારે 7 વાગ્યાથી 11-30 વાગ્યા સુધી અને પછી બપોરે 2 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી દર્શન થઈ શકશે. વેબસાઈટ ઉપર આપવામાં આવેલી જાણકારી મુજબ સવારે 6-30 વાગ્યે જાગરણ અને શૃંગાર આરતી થશે. અને સંધ્યા આરતી સાંજે 7 વાગ્યે થશે. સવારની આરતીમાં સામેલ થવા માટે પહેલાથી બુકિંગ કરાવવાનું રહેશે. સાંજની આરતી માટે તે દિવસે જ બુકિંગ થઈ શકશે.પ્રભુ શ્રીરામ મંદિરની આરતીમાં સામેલ થવા માટે પાસ જાહેર કરવામાં આવશે. આ પાસ શ્રીરામ જન્મભૂમિની કેમ્પ ઓફિસથી મળશે. આરતી શરુ થતાને અડધો કલાક પહેલા પાસ મળશે. પાસ લેવા માટે સરકારી આઈડી પ્રૂફ સાથે રાખવું જરુરી છે. શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની વેબસાઈટ પર જઈને પણ પાસ મેળવી શકાશે. આરતી પાસ સેક્સનના મેનેજર ધ્રુવેશ મિશ્રાએ ન્યૂઝ એજન્સીને જણાવ્યુંકે પાસ ફ્રીમાં જાહેર કરાશે. એક સમયની આરતી માટે હાલ 30 લોકોને જ પાસ આપવામાં આવશે. બાદમાં આ સંખ્યા વધારવામાં આવી શકે છે.રામ મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાએ ન્યૂઝ એજન્સીને જણાવ્યું હતું કે- આ વર્ષે મંદિર પૂર્ણ રુપે તૈયાર થઈ જશે. તેમણે જણાવ્યું હતું કે 23 જાન્યુઆરીથી જ પૂરાં ઉત્સાહ અને વચનબદ્ધતા સાથે નિર્માણ કાર્ય શરુ થઈ જશે.રામ મંદિરનું આખું પરિસર 70 એકરમાં બની રહ્યું છે. મુખ્ય મંદિર ઉપરાંત વધુ 6 મંદિર બનશે. પરિસરમાં રામ મંદિર ઉપરાંત ગણપતિ મંદિર, માતા અન્નપૂર્ણાનું મંદિર, માતા ભગવતીનું મંદિર, શિવ મંદિર અને હનુમાન મંદિર પણ બની રહ્યાં છે.અયોધ્યામાં રામ મંદિરને પારંપરિક નાગર શૈલીમાં બનાવવામાં આવ્યું છે. મંદિર 2.7 એકરમાં બન્યું છે, જે ત્રણ માળનું છે. જેની લંબાઈ 380 ફુટ અને ઉંચાઈ 161 ફુટ છે. મંદિરનો પ્રવેશ દ્વાર સિંહ દ્વાર હશે. રામ મંદિરમાં કુલ 392 રપિલર છે. ગર્ભગૃહમાં 160 અને ઉપર 132 સ્તંભ છે. મંદિરમાં 12 પ્રવેશ દ્વાર હશે. સિંહ દ્વારથી મંદિરમાં પ્રવેશ કરતા નૃત્ય મંડપ, રંગ મંડપ અને ગૂઢ મંડપ દેખાશે. મંદિર પરિસરમાં સૂર્ય દેવતા, ભગવાન વિષ્ણુ અને પંચદેવ મંદિર પણ બની રહ્યું છે. રામજન્મભૂમિ અયોધ્યા ખાતે ગર્ભગૃહમાં રામલલાની 51 ઈંચની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે. રામલલાની જે મૂર્તિને મંદિરમાં સ્થાપિત કરાઈ છે તેણે કર્ણાટકના મૂર્તિકાર અરુણ યોગીરાજે બનાવી છે. આ શાલીગ્રામ પથ્થરથી બનાવવામાં આવી છે, જેણે ધાર્મિક ગ્રંથો અને શાસ્ત્રોમાં ભગવાન વિષ્ણનું સ્વરુપ ગણવામાં આવે છે.નોંધનિય છે કે, ઉત્તરપ્રદેશ સરકાર ટૂંક સમયમાંજ અયોધ્યામાં હેલીકોપ્ટર સર્વિસ પણ શરુ કરવા જઈ રહી છે. ન્યૂઝ એજન્સી પીટીઆઈ મુજબ આ મહિને જ આ સર્વિસ શરુ થઈ શકે છે. આ સર્વિસ છ શહેરો- ગોરખપુર, વારાણસી, લખનઉ, પ્રયાગરાજ, મથુરા અને આગરાથી શરુ થશે.