મોરબીમાં ચાંદીપુરા વાયરસ ફેલાવાની ભીતિ હોય તાત્કાલિક પ્રાથમિક સમસ્યાઓ હલ કરવા રજૂઆત કરાઈમોરબી : મોરબી શહેર જાણે સમસ્યાઓથી ઉભરાઈ રહ્યું હોય તેમ દરરોજ નાગરિકો પાલિકા કચેરીએ રજૂઆત કરવા જઈ રહ્યા છે. તેમ છતાં પ્રજાના પ્રશ્નોનું સમાધાન ન થતું હોય આજ રોજ મોરબી શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા મોરબી નગરપાલિકા કચેરીએ રામધૂન બોલાવીને તંત્રની આંખ ખોલવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જ્યાં સુધી ચીફ ઓફિસર રૂબરૂ આવીને પ્રજાના પ્રશ્નો નહીં સાંભળે ત્યાં સુધી કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરોએ રામધૂન બોલાવવાનું કહીને કચેરીએ બેસી ગયા હતા. જો કે ત્યાં ફરજ પરના પોલીસ જવાનો કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરોને ટીંગાટોળી કરી પોલીસ વાનમાં બેસાડીને લઈ ગઈ હતી.મોરબી શહેરમાં છેલ્લા ઘણા સમયથી ગંદકી, ગટર, રસ્તાઓ, રખડતા પશુઓ, પીવાના પાણીના પ્રશ્નોને લગતી પ્રાથમિક જરૂરિયાતોને લઈ લોકો પરેશાની ભોગવી રહ્યા છે. શહેરમાં અનેક જગ્યાએ ગટરના પાણી રસ્તા પર ઉભરાય છે. ગટરના ઢાંકણાઓ ખુલ્લા અને તૂટેલા હાલતમાં જોવા મળી રહ્યા છે. જેના કારણે બીમારી ફેલાવાનો પણ ભય ઉભો થયો છે. ત્યારે આજ રોજ મોરબી શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા સહિતના કોંગ્રેસના કાર્યકરોએ મોરબી નગરપાલિકા કચેરીએ બેસીને રામધૂન બોલાવી વિરોધ નોંધાવ્યો હતો અને પ્રજાને પ્રાથમિક સુવિધા પૂરી પાડવા માટે ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી.મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, મોરબીની પ્રજા પ્રાથમિક સુવિધાથી વંચિત છે. લોકો પાલિકાને કરોડો રૂપિયાનો ટેક્સ આપે છે પરંતુ આ બહેરી અને મુંગી નગરપાલિકા પ્રાથમિક સુવિધા આપતી નથી. આખું મોરબી ગંદકીમય બની ગયું છે ત્યારે માખી અને મચ્છરથી ફેલાતા ચાંદીપુરા વાયરસ ફેલાવાનો ભય ઉભો થયો છે. તેમ છતાં પાલિકા દ્વારા દવાનો કોઈ છંટકાવ કરવામાં આવ્યો નથી. મોરબીના ખાખરેચી દરવાજા પાસે ખુલ્લી ગટરમાં થોડા દિવસ પહેલા બે ગાયમાતા પડી હતી જેમાંથી એક ગાયનું મોત નિપજ્યું હતું. શહેરના લાયન્સનગર, વીસીપરા, ભક્તિનગર સોસાયટી, ભક્તિનગર સર્કલથી માળિયા તરફનો રોડ પર ગટરના ઢાંકણા ખુલ્લી હાલતમાં છે. જેના કારણે છાશવારે અકસ્માતો સર્જાઈ રહ્યા છે. આ તમામ પ્રશ્નોને લઈને આજે પાલિકા કચેરીએ રામધૂન બોલાવી વિરોધ નોંધાવવામાં આવ્યો છે.વધુમાં પુષ્પરાજસિંહ જાડેજાએ પાલિકાના જવાબદાર અધિકારી સાથે વાતચીત કરતાં કહ્યું હતું કે, મોરબી શહેરના વિવિધ વિસ્તારના નાગરિકો છેલ્લા ઘણા સમયથી સમસ્યાઓને લઈને પાલિકાને અરજી આપે છે પરંતુ પાલિકા તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. તેથી ચીફ ઓફિસર આ પ્રશ્નો સાંભળે અને અમને ખાતરી આપે કે વર્ષોથી અટકેલા કામો છે તેનું તાત્કાલિક સમાધાન કરે તેવી કોંગ્રેસની માંગણી છે.