માર્કેટમાં રૂ.10થી લઈને રૂ.800 સુધીની રાખડીઓની અવનવી વેરાયટીઓ : બાળકો માટે કાર્ટૂનવાળી રાખડીની પણ ભારે માંગ : અંદાજે 4થી 5 કરોડના વેપારની શક્યતામોરબી : રક્ષાબંધનનો પવિત્ર તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે મોરબીના બજારોમાં રાખડીઓની ખરીદી માટે બહેનોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હાલ માર્કેટમાં તહેવારને લઈને ખરીદી નીકળી છે. આ રક્ષાબંધને દુકાનદારોને અંદાજે 4થી 5 કરોડનો વેપાર થવાની શકયતા છે. છેલ્લા 4 થી 5 વર્ષથી ભાઈની સાથે ભાભીને પણ રાખડી બાંધવાનો ટ્રેન્ડ મોરબીમાં ખૂબ જ લોકપ્રિય બન્યો છે. બજારમાં ભાઈ-ભાભીની જોડીવાળી રાખડીઓનું વેચાણ વધુ થઈ રહ્યું છે. આ ઉપરાંત ચાંદીની રાખડીનો પણ ભારે ક્રેઝ જોવા મળી રહ્યો છે.અત્યારે બજારમાં 10 રૂપિયાથી લઈને 750 કે 800 રૂપિયા સુધીની અવનવી રાખડીઓ ઉપલબ્ધ છે, જેમાં 500 થી વધુ પ્રકારની વિવિધ વેરાયટીઓ જોવા મળી રહી છે. આ વર્ષે બજારમાં 1 ગ્રામ, 2 ગ્રામ અને 3 ગ્રામ વજનમાં ચાંદીની રાખડીઓ તેમજ 1 ગ્રામ પોલિશવાળી રાખડીઓની ભારે માંગ છે. નાના બાળકો માટે ડોરેમોન, સ્પિનર, કાર્ટૂન અને લાઇટિંગવાળી રાખડીઓ માર્કેટમાં ધૂમ મચાવી રહી છે. આ ઉપરાંત અવનવા પેકિંગમાં મીઠાઈ, કંકુ-ચોખા, ડ્રાયફ્રૂટ, ચોકલેટ અને પૂજાની થાળી સાથેની રાખડીઓનો નવો કોન્સેપ્ટ પણ લોકોમાં આકર્ષણ જમાવી રહ્યો છે. મોરબીના વેપારી અનિલભાઈના જણાવ્યા અનુસાર, પહેલા લોકો માત્ર ભાઈ માટે રાખડી લેતા, પરંતુ હવે ભગવાન માટેની સ્પેશિયલ રાખડીઓથી લઈને 400 થી 500 પ્રકારના અવનવા પેકિંગવાળી રાખડીઓ બજારમાં આકર્ષણનું કેન્દ્ર બની છે.મોરબી શહેર અને આસપાસના વિસ્તારોમાં બહેનોમાં રાખડીઓની ખરીદીનો અનેરો રોમાંચ જોવા મળી રહ્યો છે. નાના ફેરીવાળાથી લઈને મોટા શોરૂમ સુધી તમામ વેપારીઓને ત્યાં રાખડીઓનું સારું એવું વેચાણ થઈ રહ્યું છે. એક અંદાજ મુજબ મોરબીમાં રાખડીઓનો કુલ વ્યાપાર 4 થી 5 કરોડ રૂપિયા સુધી પહોંચી જશે, જે સ્પષ્ટપણે દર્શાવે છે કે આ વખતે રક્ષાબંધનનું માર્કેટ ખૂબ જ શાનદાર રહેવાનું છે અને બજારમાં ભારે તેજીનો માહોલ છે.જૂની પરંપરાગત રાખડીઓ અને જનોઈની ખરીદીની જમાવટઆધુનિક રાખડીઓની સાથે સાથે મોરબીમાં પરંપરાગત રાખડીઓની પણ સારી એવી માંગ જોવા મળી રહી છે. 15 થી 20 વર્ષ પહેલાં જે પ્રકારની રાખડીઓ બજારમાં આવતી હતી, તેવી જૂની ઢબની રાખડીઓ આજે પણ ભગવાનને અર્પણ કરવા માટે લોકો ઉત્સાહભેર ખરીદી રહ્યા છે. આ ઉપરાંત, સુખડ અને એડીના મિશ્રણવાળી વેરાયટીઓ પણ ઉપલબ્ધ છે. રક્ષાબંધનના પવિત્ર દિવસે જનોઈ બદલવાની પણ પરંપરા હોવાથી રાખડીઓની સાથે સાથે જનોઈનું પણ બજારમાં સારું એવું વેચાણ જોવા મળી રહ્યું છે, જેના માટે બજારમાં અલગથી બોક્સ પેકિંગ પણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે.મીઠાઈનો ટ્રેન્ડ બદલાયો: પેંડા કરતાં ચોકલેટનું ચલણ વધ્યુંપવિત્ર રક્ષાબંધનના તહેવાર પર ભાઈનું મોં મીઠું કરાવવા માટે અગાઉ પરંપરાગત પેંડાનો સૌથી વધુ ઉપયોગ થતો હતો, પરંતુ હવે બદલાતા સમય સાથે લોકોની પસંદગીમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે અને પેંડાની જગ્યાએ ચોકલેટનું ચલણ નોંધપાત્ર રીતે વધી ગયું છે. હાલના સમયમાં રક્ષાબંધન પર અંદાજે 60% જેટલા લોકો ચોકલેટનો ઉપયોગ કરી રહ્યા છે, જ્યારે 40% લોકો જ પેંડા કે અન્ય મીઠાઈ વાપરે છે. આ અંગે મોરબીના મીઠાઈના વેપારી દીપકભાઈ કાલાવડીયાએ જણાવ્યું હતું કે, માત્ર 40% વપરાશ હોવા છતાં મોરબીમાં રક્ષાબંધન નિમિત્તે અંદાજે 1500 કિલો પેંડા અને 300 કિલો કાજુ કતરીનો ઉપાડ થયો છે, જ્યારે બાકીના મોટાભાગના એટલે કે 60% લોકોએ મોં મીઠું કરાવવા માટે વિવિધ ચોકલેટોને પ્રાધાન્ય આપ્યું છે.