મચ્છુ અને ભોગાવો નદીમાં ચાલતા ગેરકાયદેસર ખનન અને વોશિંગ પ્લાન્ટ પરથી કુલ 13 ડમ્પર અને 2 જેસીબી/હિટાચી મળી રૂ.4.60 કરોડનો મુદ્દામાલ જપ્ત મોરબી : રાજકોટ રેન્જ હેઠળ આવતા મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજ ચોરો બેફામ બન્યા છે, ત્યારે રેતી માફિયાઓની ગેરકાયદેસર પ્રવૃત્તિ પર અંકુશ લાવવા અને સરકારની તેમજ કુદરતી સંપત્તિને નુકશાન કરતા તત્વો સામે પોલીસ વિભાગ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક (IPS) નિર્લિપ્ત રાયની કડક સૂચનાથી રાજકોટ રેન્જની ટીમે અલગ-અલગ 3 જગ્યાએ દરોડા પાડીને ગેરકાયદેસર રેતી ખનન અને વોશિંગનું મસમોટું કૌભાંડ ઝડપી પાડ્યું છે.રાજકોટ રેન્જના પોલીસ ઇન્સપેક્ટર અપૂર્વ પટેલના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સપેક્ટર પી.એન.મોરી, બી.સી.મીયાત્રા, સી.એમ.કાંટેલીયા અને તેમની ટીમે આવા તત્વોને શોધી કાઢવા હ્યુમન સોર્સ અને વર્કઆઉટના આધારે ચોક્કસ બાતમી મેળવી હતી. જેમાં PSI બી.સી.મીયાત્રા અને તેમના સ્ટાફના કુલદિપસિંહ ચુડાસમા, અનિરુદ્ધસિંહ જાડેજા, અતુલભાઈ ડાભી, ધર્મેન્દ્રસિંહ વાઘેલા, યોગેન્દ્રસિંહ ચુડાસમા, રાજદીપસિંહ ઝાલા, દિલીપસિંહ સિંધવ અને ફતેસંગ પરમારની ટીમે નીચે મુજબ 3 સ્થળોએ સપાટો બોલાવ્યો હતો:1. મોરબી જિલ્લામાં મચ્છુ નદીના કાંઠે દરોડો:મોરબી નજીક અમરેલી ગામની સીમમાં બાયપાસ પાસે મચ્છુ નદીના કાંઠે ગેરકાયદેસર રીતે રેતી વોશિંગ કરતા શખ્સો પર કાર્યવાહી કરવામાં આવી હતી. અહીંથી પોલીસે 3 ડમ્પર અને 1 જેસીબી મળીને કુલ 1,10,00,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.2. સુરેન્દ્રનગરના જાખણ ગામે ભોગાવો નદીમાં ખનન:સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના જાખણ ગામે મહાવીરસિંહ રાણા દ્વારા ભોગાવો નદીમાં ગેરકાયદેસર રેતીનું ખનન કરવામાં આવતું હતું. પોલીસે આ સ્થળેથી 2 ડમ્પર અને 1 હિટાચી મળીને કુલ 1,00,00,000 રૂપિયાનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે.3. લીંબડીના બોડીયા ગામે વોશિંગ પ્લાન્ટ ઝડપાયો:લીંબડીના બોડીયા ગામની સીમમાં ગેરકાયદેસર રેતીનું ખનન કરી વોશિંગ પ્લાન્ટ ચલાવતા ભરતભાઈ ભરવાડને ત્યાં દરોડો પાડવામાં આવ્યો હતો. અહીંથી પોલીસે 8 લોડર/ડમ્પર મળી કુલ 2,50,00,000 રૂપિયાનો મુદ્દામાલ સીઝ કર્યો છે.આમ, રાજકોટ રેન્જની ટીમે મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાંથી કુલ 13 લોડર/ડમ્પર અને 2 હિટાચી/જેસીબી મળીને કુલ 4,60,00,000 રૂપિયાનો જંગી મુદ્દામાલ સીઝ કર્યો છે. આ સપાટા બાદ સ્થાનિક પોલીસ સ્ટેશનના સ્ટાફને ઘટનાસ્થળે બોલાવી તેમજ ખાણ ખનીજ વિભાગના અધિકારીઓને જાણ કરી આગળની કાયદેસરની દંડનીય કાર્યવાહી માટે આરોપીઓ તથા મુદ્દામાલ સંબંધિત પોલીસ સ્ટેશનને સોંપી દેવામાં આવ્યો છે.#MorbiUpdate #MorbiNews #SurendranagarNews #RajkotRangePolice #GujaratPolice #IllegalMining #SandMining #NirliptRaiIPS #Morbi #Limbdi #ActionAgainstMiningMafia