રેન્જ ડીઆઇજી સંદિપસિંઘના નામનું બોગસ ફેસબૂક એકાઉન્ટ બનાવી પૈસાની મદદ માટેના મેસેજ મોકલી ઠગાઇનો પ્રયાસ : સાયબર સેલ દ્વારા તપાસનો ધમધમાટ મોરબી : બોગસ ફેસબૂક એકાઉન્ટ બનાવી અથવા તો એકાઉન્ટ હેક કરીને જેટલા પણ મિત્રો ફ્રેન્ડલિસ્ટમાં હોય તેને મેસેજ કરી પોતે મુશિબતમાં છે, પૈસાની જરૂર છે એવા ખોટા મેસેજ કરી ઓનલાઇન નાણા મેળવી છેતરપીંડી કરવાના કિસ્સા અવાર-નવાર બનતા રહે છે. તેવામાં રાજકોટના રેન્જ ડીઆઇજી સંદિપસિંઘ પણ સાયબર ક્રાઇમ આચારનારાઓનો શિકાર બન્યા છે, તેમના નામનું બોગસ ફેસબૂક એકાઉન્ટ બનાવી તેમના મિત્રોને ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી બાદમાં જેણે રિકવેસ્ટ સ્વીકારી તેને પૈસાની મદદ માટેના મેસેજ મોકલી ઠગાઇનો પ્રયાસ કરતાં ચર્ચા જાગી છે. આ મામલે સાયબર ક્રાઇમ ડિપાર્ટમેન્ટને જાણ કરવામાં આવતાં તપાસ શરૂ કરી છે. આ મામલે રેન્જ ડીઆઇજી સંદિપસિંઘે જણાવ્યું હતું તેમનું ફેસબૂક એકાઉન્ટ કોઇએ હેક નથી કર્યુ પરંતુ તેમના નામનું નવું જ ફેસબૂક એકાઉન્ટ બનાવી લીધુ હતું અને તેમના જ મિત્રોને ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલવાની શરૂઆત કરી હતી. રિકવેસ્ટ સ્વીકારનારાઓને એમ થયું હતું કે ડીઆઇજીએ નવું એકાઉન્ટ બનાવ્યું હશે. એ પછી જેણે જેણે નવા એકાઉન્ટની રિકવેસ્ટ સ્વીકારી હતી તેમને પૈસાની મદદ માટેના મેસેજ મળવા માંડ્યા હતાં. રેન્જ ડીઆઇજીના નામે આ રીતે મદદના મેસેજ મિત્રોને મળતાં દાળમાં કંઇક કાળુ હોવાની શંકા ઉપજી હતી. એ દરમિયાન તેઓને એક મિત્રએ જાણ કરતાં તેઓ પણ ચોંકી ગયા હતાં. તેમણે સાયબર ક્રાઇમને જાણ કરી હતી. રૂરલ સાયબર ક્રાઇમના પીઆઇ ડોડીયા અને ટીમ તાકીદે કામે લાગતાં બોગસ એકાઉન્ટ ઉભુ કરનારે આ એકાઉન્ટ બ્લોક કરી દીધું હતું. તેને શોધી કાઢવા તપાસ શરૂ થઇ છે. આ અંગે ફેસબૂકને પણ જાણ કરવામાં આવી છે. આ રીતની છેતરપીંડીના બનાવો સમયાંતરે બનતા રહે છે. ત્યારે હવે ખુદ રેન્જ ડીઆઇજીના નામે છેતરપીંડીનો પ્રયાસ થતાં ચર્ચા જાગી છે.