માળિયા (મિયાણા): રાજકોટ-મોરબી-ચમનપર રૂટની બસના સમયપત્રકમાં છેલ્લા 15 દિવસથી ભારે અનિયમિતતા જોવા મળી રહી છે, જેના કારણે ચમનપરના મુસાફરો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. નવા બસ સ્ટેન્ડ પરથી દરરોજ સાંજે 7:25 વાગ્યે ઉપડવાનો નિયમિત સમય ધરાવતી આ બસ છેલ્લા બે અઠવાડિયાથી રાત્રે 10 વાગ્યે પહોંચી રહી છે, જેના પરિણામે ચમનપરના મુસાફરોને મોડી રાત્રે 11 વાગ્યે ઘરે પહોંચે છે.બસના આ વિલંબ અંગે સ્થાનિક મુસાફરો દ્વારા ડેપો મેનેજરને જાણ કરવામાં આવી હોવા છતાં, આજદિન સુધી કોઈ નક્કર ઉકેલ લાવવામાં આવ્યો નથી. ચમનપરના મુસાફરોએ સત્તાવાળાઓ સમક્ષ તાત્કાલિક માંગણી કરી છે કે, રાજકોટ-મોરબી-ચમનપર બસ તેના નિયમિત સમય મુજબ સાંજે 7:25 વાગ્યે પાછી શરૂ કરવામાં આવે, જેથી કરીને રોજબરોજની મુસાફરીમાં પડતી તકલીફો અને હાલાકીમાંથી મુસાફરોને મુક્તિ મળી શકે.