રાજકોટ જિલ્લામાં-૨૫૫૩ અને જામનગર જિલ્લામાં-૩૯૬૬ લોકોને સલામત સ્થળે ખસેડાયા: બન્ને જિલ્લામાં બચાવ ટુકડીઓની પુરજોશમાં ચાલતી કામગીરી મોરબી : મોરબીના પાડોશી એવા જામનગર અને રાજકોટ જિલ્લામાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂઓ ધારણ કરતા જનજીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું છે. જામનગરમાં ૧૬ લોકોને એરલીફ્ટ કરવામાં આવ્યા હતા. સાથે હજારો લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની પણ કામગીરી કરવામાં આવી હતી. જામનગર જિલ્લાના કાલાવડ, જોડિયા, જામનગર (ગ્રામ્ય), જામનગર (શહેર)માં જુદા જુદા કુલ ૮ ગામોમાં ૬૪ વ્યક્તિઓ ફસાયા હતા. તેઓને બચાવી સલામત સ્થળે ખસેડવાની જરૂરિયાત જણાતા એરલિફ્ટ કામગીરી હાથ ધરવામાં આવેલ અને ૧૬ વ્યક્તિઓને એરલિફ્ટ દ્વારા સલામત સ્થળે ખસેડવામાં આવેલ છે અને અન્ય ૪૮ વ્યક્તિઓને સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા સલામત સ્થળે ખસેડવામાં આવેલ છે. આ સિવાય જામનગર શહેરના નાગેશ્વર વિસ્તારમાં એરલિફ્ટની કામગીરી ચાલુમાં છે.ભારે વરસાદની આગાહીને ધ્યાને લઈ એન.ડી.આર.એફ.ની ૦૩ ટીમ જામનગર ડીપ્લોય કરવામાં આવેલ છે અને એસ.ડી.આર.એફ.ની ૦૨ ટીમ જામનગર જિલ્લામાં રવાના કરવામાં આવેલ છે તથા વધુ ૫ ટીમ ભારત સરકાર પાસેથી માંગવામાં આવેલ છે. એસ.ડી.આર.એફ.ની મડાણા અને ગાંધીનગર ૦૨ ટીમ રાજકોટ માટે રવાના કરવામાં આવેલ છે. વધુમાં જામનગર શહેર ખાતે નેવીની ૦૨ ટીમ ડીપ્લોય કરવામાં આવેલ છે. ભારે વરસાદની આગાહી ધ્યાને લઈ અધિક મુખ્ય સચિવ(મહેસૂલ)ના અધ્યક્ષ સ્થાને વધુ અસરગ્રસ્ત જિલ્લા-રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકાના કલેકટર તથા સિંચાઈ , આઈ.એમ.ડી.,ઈસરો ,એનર્જી જેવા લાઈન ડીપાર્ટમેન્ટ સાથે વેબિનારથી મીટીંગ કરવામાં આવેલ છે. અને જરૂર જણાયે કોસ્ટ ગાર્ડ તથા નેવી ડીપાર્ટમેન્ટની મદદ લેવા માટે પણ સબંધિત જિલ્લા કલેકટરને જણાવવામાં આવેલ છે. અત્યાર સુધીમાં રાજકોટ જિલ્લામાં-૨૫૫૩, જામનગર જિલ્લામાં-૩૯૬૬, પોરબંદર જિલ્લામાં –૨૨૪, જુનાગઢ જિલ્લામાં-૦૫ એમ મળી કુલ ૬૭૪૮ લોકોનું સ્થળાંતર કરવામાં આવેલ છે.ભારે વરસાદના કારણે રાજયના સ્ટેટ હાઇવે - ૧૫ નેશનલ હાઇવે -૦૧ અને પંચાયત હસ્તકના -૧૩૦ માર્ગ વાહન વ્યવહાર માટે બંઘ થયેલ છે. જેમાં મુખ્યત્વે જામનગર અને રાજકોટ જિલ્લાના માર્ગ વ્યવહારને અસર થયેલ છે. સવારે 6થી સાંજે 6 વાગ્યા સુધીમાં 15 તાલુકામાં 100 મી.મી.થી વધુ વરસાદ આજરોજ સવારે ૬:૦૦ કલાકથી ૧૮:૦૦ કલાક સુધીમાં ૧૦૦ મી.મી કરતાં વધારે વરસાદ ૧૫ તાલુકામાં થયેલ છે. તે પૈકી રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકામાં ૫૦૪ મી.મી., રાજકોટ તાલુકામાં ૩૨૩ મી.મી., ધોરાજી તાલુકામાં ૨૦૮ મી.મી., કોટડા સાંગાણી તાલુકામાં ૧૯૦ મી.મી., ગોંડલ તાલુકામાં ૧૬૬ મી.મી., પડધરી તાલુકામાં ૧૭૦ મી.મી., જામકંડોરણા તાલુકામાં ૧૩૧ મી.મી. અને જામનગર જિલ્લાના કાલાવાડ તાલુકામાં ૩૬૭ મી.મી., જામનગર તાલુકામાં ૧૧૨ મી.મી. છે.