મોરબી : રાજકોટ ખાતે જ્યારથી આઇવે પ્રોજેકટ સાથે સાંકળીને ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતા વાહન ચાલકોને ઘેરબેઠા ઇ ચલાણ આપવાનું શરૂ થયું છે ત્યારથી ઘણા નિર્દોષ વાહન ચાલકોને કારણ વગરની ઉપાધિ શરૂ થઈ છે. જે વાહન નાગરિક પાસે ન હોય એવા વાહનનો મેમો ઘેર પહોંચી રહ્યાના અસંખ્ય બનાવો સામે આવી રહ્યા છે. મોરબી સ્થિત હરેશભાઇ વેલજીભાઈ કાચરોલાને આવો જ કડવો અનુભવ રાજકોટ ટ્રાફિક બ્રાન્ચ તરફથી થયો છે. હરેશભાઇ પાસે ફોર્ડ ફિગો કાર છે. જ્યારે હમણાં એમને GJ03 FD 2391 નંબરના મોટરસાયકલ સાથેનો રાજકોટ સ્થિત ઇન્દિરા સર્કલથી યુનિવર્સીટી રોડ તરફ જતા રોડ પર ટ્રાફિકનો નિયમ ભંગ કરતા દર્શાવીને મોરબી સ્થિત ઘેર ઇ ચલાન ઇસ્યુ કરવામાં આવતા તેઓ અચંબિત થઈ ગયા હતા. આવા બનાવો નજીકના ભૂતકાળમાં અસંખ્ય બન્યા છે અને બનતા રહે છે. ઘણા બનાવો જાગૃકતાના અભાવે સામે પણ નથી આવતા. એક વાર જે તે વ્યક્તિના નામનું ઇ ચલાન ઇસ્યુ થાય એટલે કમસેકમ એક વાર તો એમને ટ્રાફિકબ્રાન્ચમાં ખુલાસો કરવા માટે ધક્કો ખાવો જ પડે છે. ત્યારે વારંવાર આ રીતે આડેધડ ઇ ચલાન ઇસ્યુ કરીને નિર્દોષ નાગરિકો દંડાઈ રહ્યા છે ત્યારે ટ્રાફિક શાખાએ પોતાની સિસ્ટમમાં રહેલી ભૂલો ત્વરિત સુધારીને પોતાની આબરૂ બચાવવી જોઈએ સાથો સાથ આ રીતે ભળતી જગ્યાએ પહોંચેલા ઇ ચલાન બાબતે નિર્દોષ નાગરિક હેરાન ન થાય એ માટે કોઈ યોગ્ય નિયમ બનાવવો જોઇએ એવી લોક લાગણી વ્યક્ત થઈ રહી છે.