મોરબી : મોરબીમાં જવેલર્સ પેઢી ધરાવતા મહિલા પાસેથી પારિવારિક સંબંધના નાતે રૂપિયા 30 લાખ ઉછીના મેળવ્યા બાદ રાજકોટના સોની વેપારીએ આપેલ ચેક રિટર્ન થતા નામદાર મોરબી કોર્ટમાં દાખલ થયેલ ચેક રિટર્ન કેસમાં અદાલતે આરોપી વેપારીને વ્યાજ સહીત રૂપિયા 36,97, 503 ચૂકવી આપવા હુકમ કરી એક વર્ષની કેદની સજા ફટકારતો હુકમ કર્યો હતો. આ કેસની ટૂંકી હકીકત જોઈએ તો મોરબીમાં અંબાજી જવેલર્સ નામની પેઢી ધરાવતા ફરિયાદી નીતાબેન અલ્કેશભાઈ રવેશીયા પાસેથી પારિવારિક સંબંધના નાતે આરોપી દિલીપભાઈ કાંતિભાઈ પાટડીયા, રહે. માધવ એપાર્ટમેન્ટ, પેલેસ રોડ રાજકોટ વાળાએ અંગત જરૂરિયાત માટે 15-15 લાખ મળી કુલ રૂપિયા 30 લાખ મેળવી બદલામાં આઈસીઆઈસી બેન્કના બે ચેક આપ્યા હતા. જે બન્ને ચેક બેંકમાં જમા કરાવતા અપૂરતા ફંડને કારણે રિટર્ન થતા ફરિયાદી નીતાબેન અલ્કેશભાઈ રવેશીયાએ આરોપી દિલીપભાઈ કાંતિભાઈ પાટડીયા વિરુદ્ધ નામદાર મોરબી કોર્ટમાં ધ નેગોશિયલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળ વર્ષ 2020માં કેસ દાખલ કર્યો હતો અને બન્ને પક્ષે દલીલો અને પુરાવા રજૂ થયા બાદ એડિશનલ સિવિલ જજ જે.વી.બુદ્ધ સાહેબે આરોપી દિલીપભાઈ કાંતિભાઈ પાટડીયાને રૂપિયા 36,97, 503 ચૂકવી આપવા હુકમ કરી એક વર્ષની કેદની સજા ફટકારતો હુકમ કર્યો હતો. આ કેસમાં ફરિયાદ પક્ષે એડવોકેટ ચિરાગ કારીઆ તથા રવિ કારીયા રોકાયેલ હતા.