યલોએલર્ટ વચ્ચે કાલથી તાપમાનમાં ઘટાડો થવાનો હવામાન વિભાગનો નિર્દેશ મોરબી : છેલ્લા એક અઠવાડિયાથી સૌરાષ્ટ્ર-કચ્છમાં સૂર્યદેવતા આકરો મિજાજ બતાવી રહ્યા છે ત્યારે બુધવારે રાજકોટમાં હીટવેવના ઓરેન્જ એલર્ટ વચ્ચે રાજ્યમાં સૌથી વધુ 45.2 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાતા શહેર અગનગોળો બન્યો હોય તેવી સ્થિતિ શહેરીજનોએ અનુભવી હતી. રાજકોટમાં છેલ્લા બે દિવસથી સતત 44 ડિગ્રી બાદ બુધવારે મહત્તમ તાપમાન 45.2 ડિગ્રી પહોંચતા બપોરે જાહેર માર્ગો ઉપર સન્નાટો જોવા મળ્યો હતો અને અસહ્ય તડકો અનુભવાયો હતો. જો કે, આજથી રાજકોટમાં મહત્તમ તાપમાનમાં ઘટાડો થવાના સંકેત હવામાન વિભાગે આપ્યો છે પરંતુ હીટવેવ યથાવત હોય ગુરુવારે હીટવેવનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે.બીજી તરફ મોરબીમાં પણ ગરમીનો પારો 43 ડિગ્રી આંબી ગયો હોવાની અનુભૂતિ શહેરીજનોએ કરી હતી.હવામાન વિભાગે બુધવારે રાજકોટ, ભાવનગર, કચ્છ, સુરેન્દ્રનગર, પોરબંદર અને મોરબી, બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠામાં હીટવેવનું ઓરેન્જ એલર્ટ તેમજ જૂનાગઢ, બોટાદ, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, સુરત અને ભાવનગર જિલ્લામાં હીટવેવનું યલો એલર્ટ જાહેર કર્યું હતું જે અન્વયે રાજકોટમાં બુધવારે સૌથી વધુ 45.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું જે રાજ્યમાં સૌથી વધુ હતું. આ ઉપરાંત અમરેલીમાં 44.3, સુરેન્દ્રનગર અને કેશોદમાં 43.8, ડીસામાં 43.6, અમદાવદમાં 43.2, ગાંધીનગર, પોરબંદર અને વડોદરામાં 43, ભુજમાં 42.9, ભાવનગરમાં 41.2, કંડલા અને સુરતમાં 41, નલિયામાં 38.2, જામનગરમાં 38.2 અને વેરાવળમાં 36.8 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.