મોરબી, હળવદ, માળિયા અને વાંકાનેર પંથકમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ શરૂમોરબી : મોરબી જીલ્લામાં થોડા દિવસોના બ્રેક બાદ આજે મોરબી, હળવદ, માળિયા અને વાંકાનેર પંથક ઉપર મેઘરાજા મહેરબાન થયા છે. ચારેય પંથકના અનેક ગામોમાં સાંજે વરસાદી માહોલ જામ્યો છે. ભારે પવન સાથે ગાજવીજ પણ ચાલુ હોવાનું જાણવા મળી રહ્યું છે. આ અંગે હળવદના પત્રકાર મેહુલ ભરવાડે જણાવ્યું કે હળવદ તાલુકાના મોટાભાગના ગામોમાં સાંજથી ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો છે. અનેક ગામોમાં સારૂ વરસાદી વાતાવરણ સર્જાયું હોવાના વાવડ મળી રહ્યા છે. માળિયા મિયાણાના પત્રકાર કાસમભાઈ સુમરાએ જણાવ્યું કે માળિયા તાલુકાના તમામ ગામોમાં તેમજ માળિયામાં સાંજે 6:15 વાગ્યાના અરસામાં વરસાદ શરૂ થયો છે. અહીં સાથે ભારે પવન પણ છે. જ્યારે વાંકાનેરના પત્રકાર હરદેવસિંહે જણાવ્યું કે વાંકાનેર અને તાલુકાના મોટાભાગના ગામોમાં હમણાં સુધી કાળા ડિબાંગ વાદળો છવાયા હતા. હમણાં જ સારો વરસાદ શરૂ થયો છે. ટંકારા પત્રકાર જયેશ ભટાસણાએ જણાવ્યું કે ટંકારામાં હાલ વરસાદ નથી. પણ ગમે ત્યારે વરસાદ તૂટી પડે તેવુ વાતાવરણ સર્જાયું છે.