મોરબી : મોરબીમાં પડેલા ભારે વરસાદને પગલે અનેક નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. વરસાદી પાણી સીધા લોકોના ઘરોમાં ઘૂસી જતા સ્થાનિકોને ભારે હાલાકી અને નુકસાનીનો સામનો કરવો પડી રહ્યો છે. મોરબીના સામા કાંઠે રામેશ્વર મંદિર વાળા રોડ પર ઋષિ કેશ વિદ્યાલય પાછળ આવેલા કમલા પાર્ક-2 અને આસપાસના વિસ્તારમાં વરસાદના પાણી લોકોના રહેણાક મકાનોમાં ફરી વળ્યા છે.શેરીઓમાં નદીની જેમ પાણી વહી રહ્યા છે. લોકોના મકાનના હોલ, રસોડા અને બેડરૂમ સુધી પાણી ભરાઈ ગયા છે. રસોડાના વાસણો, અનાજ, પલંગ પર રાખેલા કપડાં, ગાદલાં અને અન્ય કિંમતી માલ-સામાન પાણીમાં પલળી જતા સ્થાનિકોને વ્યાપક નુકસાન પહોંચ્યું છે. આખું ઘર જાણે સ્વિમિંગ પુલમાં ફેરવાઈ ગયું હોય તેવા દ્રશ્યો સર્જાયા છે.આ વિકટ પરિસ્થિતિ અંગે સ્થાનિક મનીષભાઈએ મોરબી અપડેટ સમક્ષ પોતાની વ્યથા રજૂ કરતા જણાવ્યું હતું કે આજે બપોરના સમયે વરસાદી પાણી ઘરમાં ભરાયા હતા. ગોઠણ સુધી પાણી ભરાયા છે. હાલ લોકો વરસાદી પાણી ઉલેચીને બહાર કાઢી રહ્યા છે. આ રીતે દર વર્ષે પાણી ભરાવાની સમસ્યા ઉદ્ભવે છે. ઘરોમાં પાણી ભરાઈ જવાના કારણે લોકોને ભારે હાલાકી ભોગવવી પડી છે.#Morbi #MorbiUpdate #MorbiNews #MorbiRain #Waterlogging #Morbi2 #KamlaPark #Monsoon2026