મિડલેવલમાં ભેજનું પ્રમાણ સૌરાષ્ટ્ર તરફ વધી રહ્યું છે જેથી વરસાદી માહોલ સર્જાશે- રમેશ બસીયા ટંકારા : ગુજરાતમાં ચોમાસાની સિઝન હજુ પૂરજોશમાં ચાલી રહી છે. ટંકારા તાલુકાના નાના ખીજડીયાના હવામાન નિષ્ણાત રમેશ બસીયાએ જણાવ્યું હતું કે, બંગાળની ખાડીમાં વેલમાર્ક લો પ્રેસર સિસ્ટમ પશ્ચિમ ઉતર તરફથી અરબી સમુદ્ર તરફ આગળ વધતા સૌરાષ્ટ્રમાં સિસ્ટમ ટ્રફ લાગું થતો હોય આજે 28 ઓગસ્ટ 2025ની સાંજથી આગામી ત્રણથી ચાર દિવસ સુધી સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદનું જોર વધવાની શક્યતા છે. આ પહેલા સૌરાષ્ટ્રમાં વરસાદનું પ્રમાણ ઘટી ગયું હતું, જ્યારે ગુજરાતના અન્ય ભાગોમાં વરસાદ ચાલુ રહ્યો હતો. હવે, મિડલેવલમાં ભેજનું પ્રમાણ વધવાને કારણે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદની પૂરી સંભાવના જોવાઈ રહી છે.જેમાં ખાસ કરીને ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા સહિતના આ વિસ્તારોમાં આજ સાંજથી આગામી 3-4 દિવસ સુધી સારા વરસાદની શક્યતા છે. તદ્ઉપરાંત મોરબી, રાજકોટ, જામનગર જિલ્લામાં પણ આની સીધી અસર જોવા મળશે. જેના કારણે વરસાદી ઝાપટાં હળવાથી મધ્યમ વરસાદ ચાલુ રહેશે.