મોરબી : મોરબી જિલ્લામાં ગઈકાલથી વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. જિલ્લામાં ગઈકાલ સાંજથી છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે. આજે સવારે મોરબી શહેરમાં વરસાદી ઝાપટું પડ્યું હતું. જ્યારે મોડી સાંજે માળિયા તાલુકાના અમુક વિસ્તારમાં વરસાદ પડયાનું ગ્રામજનોએ જણાવ્યું છે. જેમાં વેણાસરના આગેવાન પ્રભાતભાઈ ડાંગરે મોરબી અપડેટને જણાવ્યું હતું કે સુલતાનપુર, ખાખરેચી, વેણાસર, કુંભારિયા સહિતના ગામોમાં એકથી દોઢ ઇંચ વરસાદ પંડ્યાનો અંદાજ છે. આ વરસાદથી અહીં છેલ્લા ઘણા સમયથી કેનાલના પાણીનો પ્રશ્ન હોય વરસાદને પગલે ખેડૂતોએ રાહત અનુભવી છે. વધુમાં ખાખરેચીથી વેણાસર વચ્ચેનો કોઝવેમાં પાણી ભરાઈ જતા થોડા સમય માટે કોઝવે બંધ થઈ ગયો હોવાનું પણ સ્થાનિકોએ જણાવ્યુ હતું. હળવદમાં 4 થી 6 દરમિયાન પોણો ઇંચ વરસાદ આજે સાંજે મોરબી જિલ્લાના અનેક વિસ્તારમાં વરસાદી ઝાપટા પડયા હોવાના અહેવાલ મળી રહ્યા છે. સરકારી ચોપડે નોંધાયેલ આંકડા મુજબ સાંજે 4થી 6 દરમિયાન માળિયામાં 7 મિમી અને હળવદમાં 19 મિમી વરસાદ નોંધાયો છે.