સુસવાટા મારતા પવનથી મીની વાવાઝોડા જેવી અનુભૂતિ ચુપણી, સુંદરીભવાનીમાં પાણી વહેતા થયા હળવદ : ગઈકાલે વગર વરસાદે હળવદમાં વીજળી પડ્યા બાદ આજે તેજ પવનના સુસવાટા અને ઘટાટોપ વાદળોની જમાવટ વચ્ચે હળવદમાં વરસાદી ઝાપટા વરસી રહ્યા છે. હળવદ પંથકમાં સાંજે પાંચ વાગ્યા બાદ અચાનક વાતાવરણમાં બદલાવ આવ્યો હતો. સવારથી અકળાવનારી ગરમી બાદ સાંજના સમયે અચાનક કાળું ડિબાંગ વાદળું ચડ્યું હતું અને સુંદરીભવાની, સરંભડા અને ચુપણી સહિતના ગામોમાં સુસવાટા મારતા મીની વાવાઝોડા જેવા પવન બાદ વરસાદી ઝાપટા વરસી રહ્યા છે. નોંધનીય છે કે હવામાન વિભાગ દ્વારા કેરળમાં ચોમાસાની વિધિવત એન્ટ્રી થતા ગુજરાતમાં પ્રિ મોન્સૂન એક્ટિવિટી અંતર્ગત હળવા ઝાપટા વરસવાની આગાહી કરવામાં આવી છે તે મુજબ હળવદ પંથકમાં છેલ્લા બે દિવસથી મેઘરાજા હાઉકલી કરી રહ્યા હોવાનું ફલિત થઈ રહ્યું છે.