18 થી 23 સપ્ટેમ્બર મોરબી, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અને દરિયાકાંઠાના વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ અને કેટલાક સ્થળોએ ભારે વરસાદની શક્યતાટંકારા : હાલમાં રાજસ્થાનના કેટલાક ભાગોમાંથી ચોમાસાની વિદાય થઈ ચૂકી છે, અને આગામી બે દિવસમાં કચ્છના ઉતર પશ્ચિમ વિસ્તારોમાંથી પણ ચોમાસું વિદાય લેશે. જોકે, સૌરાષ્ટ્રમાં હજુ ચોમાસાની અસર રહેશે. જેના કારણે આગામી દિવસોમાં વરસાદનો નવો રાઉન્ડ આવવાની શક્યતા ટંકારાના નાના ખીજડીયાના હવામાન નિષ્ણાત રમેશભાઈ બસિયાએ વ્યક્ત કરી છે.રમેશભાઈ બસિયાના જણાવ્યા પ્રમાણે વર્તમાન હવામાન પરિસ્થિતિ જોઈએ તો પશ્ચિમ-મધ્ય અને ઉત્તર-પશ્ચિમ અરબી સમુદ્રમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન (UAC) સક્રિય છે અને વિદર્ભ અને આસપાસના વિસ્તારોમાં પણ એક હવામાન સિસ્ટમ સક્રિય છે, જે ગુજરાતના હવામાનને સીધી અસર કરી શકે છે. જેના પરિણામે 15 થી 17 સપ્ટેમ્બર સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાઓ જેવા કે સુરત, વલસાડ, ભાવનગર, અમરેલી, અને ગીર સોમનાથ સહિતનામાં હળવા મધ્યમ વરસાદની શક્યતા છે. જોકે અન્ય વિસ્તારોમાં વરસાદની શક્યતા નથી. પરતું 18 થી 23 સપ્ટેમ્બરે મધ્ય-સ્તરના વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધશે જેના કારણે સૌરાષ્ટ્ર, ખાસ કરીને મોરબી, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અને દરિયાકાંઠાના વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ અને કેટલાક સ્થળોએ ભારે વરસાદની શક્યતા છે. એટલે કે 22 સપ્ટેમ્બરથી નવલા નોરતા શરૂ થઈ રહ્યા છે જેથી પ્રથમ બે નોરતામાં વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે. આ સમય દરમિયાન દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદની તીવ્રતા વધુ રહી શકે છે. આ સમયગાળા દરમિયાન તાપમાન 30°C થી 32°C ની રેન્જમાં રહેશે. પવનની ગતિ સામાન્ય રહેશે, જેમાં મોટાભાગે 10-20 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાશે તેવું હવામાન નિષ્ણાત રમેશભાઈ બસિયા જણાવી રહ્યા છે.