મોરબી અપડેટ : મધ્યપૂર્વ અને લાગુ ઉત્તરપૂર્વ અરબી સમુદ્રમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન (UAC)ની અસરના કારણે સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હાલ ગાજવીજ સાથે વરસાદ પડી રહ્યો છે. હવામાન નિષ્ણાત રમેશ બસિયા (નાના ખીજડીયા, ટંકારા)ના જણાવ્યા અનુસાર આગામી બે દિવસ દરમિયાન ગુજરાતના છૂટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે. જોકે, હવે વરસાદી વિસ્તારોમાં ઘટાડો થતો જશે અને બે દિવસ બાદ વરસાદની પ્રવૃત્તિમાં નોંધપાત્ર ઘટાડો થવાની શક્યતા છે.વરસાદ ઘટ્યા બાદ કચ્છ અને સૌરાષ્ટ્રના અમુક વિસ્તારો તેમજ ઉત્તર ગુજરાતના થોડા વિસ્તારોમાંથી ચોમાસાની વિદાય અંગે ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી શકે છે.દરમિયાન મધ્યપૂર્વ બંગાળની ખાડીમાં એક મજબૂત હવામાન સિસ્ટમ સક્રિય છે. આ સિસ્ટમ પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ દિશામાં આગળ વધી રહી છે અને આજે ડિપ્રેશનમાં ફેરવાય તેવી શક્યતા છે. આવતીકાલે મધ્ય પશ્ચિમ બંગાળની ખાડી પર આ સિસ્ટમ વધુ મજબૂત બની ડીપ ડિપ્રેશનમાં ફેરવાશેત્યારબાદ આ સિસ્ટમ આંધ્રપ્રદેશ અને ઓડિશાના દરિયાકાંઠા તરફ આગળ વધે તેવી શક્યતા છે. હવામાન નિષ્ણાત રમેશ બસિયાના જણાવ્યા મુજબ આ સિસ્ટમની ગુજરાત પર કોઈ અસર થવાની નથી. આમ, ગુજરાતમાં હજુ બે દિવસ છૂટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. ત્યારબાદ વરસાદની પ્રવૃત્તિમાં ઘટાડો થવાની શક્યતા છે.