ટંકારાના નાના ખીજડિયાના હવામાન નિષ્ણાંત રમેશભાઈ બસિયાનું અનુમાનટંકારા : બંગાળની ખાડીમાં રચાયેલું ડિપ્રેસન હવે ઓડિશાના દરિયાકાંઠે પહોંચીને નબળું પડ્યું છે અને વેલમાર્ક લો-પ્રેશર એરિયામાં ફેરવાયું છે. આ સિસ્ટમ મહારાષ્ટ્ર તરફ આગળ વધીને મુંબઈ થઈને અરબી સમુદ્ર તરફ પશ્ચિમ દિશામાં ગતિ કરે તેવી શક્યતા છે. જેને પગલે મોરબીમાં સોમવારથી ચાર દિવસ છુટાછવાયા વિસ્તારોમાં વરસાદની આગાહી ટંકારાના નાના ખીજડિયાના હવામાન નિષ્ણાંત રમેશભાઈ બસિયાએ જાહેર કરી છે.તેઓએ વધુમાં જણાવ્યું છે કે આ હવામાન સિસ્ટમની અસરને કારણે ગુજરાતના કેટલાક ભાગોમાં આવતીકાલે 28 સપ્ટેમ્બરથી વરસાદની શરૂઆત થશે.દક્ષિણ ગુજરાતના વિસ્તારો તેમજ સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી અને જૂનાગઢ જિલ્લાઓમાં 28 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી મધ્યમથી ભારે વરસાદની આગાહી છે. 29 સપ્ટેમ્બરથી વરસાદનું પ્રમાણ અને વિસ્તારો વધશે, જેમાં પોરબંદર, દ્વારકા, વેરાવળ અને જામનગર સહિતના વિસ્તારોમાં 2થી 4 ઇંચ અથવા તેથી વધુ વરસાદ પડવાની શક્યતા છે. આ ઉપરાંત, મોરબી, રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લાઓમાં 29 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી છૂટાછવાયા વિસ્તારોમાં 1થી 3 ઇંચ વરસાદની આગાહી છે. કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.આ હવામાન સિસ્ટમની અસરને કારણે ખેડૂતો અને નાગરિકોને સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવે છે.