કૃષિ વિભાગ દ્વારા વરસાદને ધ્યાને લઇ ખેડૂતો માટે જાહેર કરાયું માર્ગદર્શનમોરબી : ખેતી નિયામક કચેરી કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ ગુજરાત સરકાર હવામાન ખાતા વિભાગ દ્વારા પ્રસિદ્ધ થયેલ માહિતી અનુસાર તા. 24 ઓગસ્ટ દરમ્યાન મોટાભાગના સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા દર્શાવામાં આવી છે.આ દરમ્યાન મહત્તમ તાપમાન 26 થી 36 સે. અને લઘુત્તમ તાપમાન 25 થી 28 સે. રહેશે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ અંદાજીત 59 થી 96 % રહેશે. તથા પવનની ગતિ અંદાજીત 25 થી 36 કિમિ/ કલાક જેટલી રહેવાની શક્યતા છે. આ ઉપરાંત આગામી દિવસોમાં આકાશમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે.ત્યારે આ દરમ્યાન ખરીફ પાકોમાં ભલામણ મુજબ જમીનમાં ભેજ હોય ત્યારે પૂર્તિ ખાતર આપવું તેમજ સૂક્ષ્મતત્વોનો પાક ઉપર છંટકાવ કરવો, જમીનમાં ભેજ વધુ સમય સુધી ટકી રહે તે માટે આંતરખેડ કરવી, જ્યાં શક્ય હોય ત્યાં મલ્ચિંગ (આવરણ)નો ઉપયોગ કરવો જેથી ભેજનું સંગ્રહણ સારું થાય અને પિયતની જરૂરિયાત ઓછી પડે, વરસાદની આગાહી દરમ્યાન ખાતર અને દવા છાંટવાના કાર્યો મુલતવી રાખવા, પાક ઢળી ન પડે તે માટે પાળા ચડાવવા તેમજ અપ્રમાણસર વરસાદને કારણે કોઈ પાક નિષ્ફળ ગયો હોય તો તે જમીનમાં ગુવાર, મગ, અડદ, તુવેર, દિવેલા, પૂર્વા - તલ, અર્ધ શિયાળુ ડુંગળી, અર્ધ શિયાળુ બાજરી, ઘાસચારાના પાક જુવાર, ચોરી, સૂર્યમુખી વગેરેનું વાવેતર કરવા સલાહ આપવામાં આવી છે. પિચત વ્યવસ્થાપનમાં પિયત આપવાનો યોગ્ય સમય મહત્વનો છે. માત્ર પિયતની સંખ્યાથી નહિ. પાણી પૂરતું ઉપલબ્ધ હોય તો પણ પાકને આડેધડ પાણી આપવાને બદલે પાકની કટોકટી અવસ્થાઓ (જેમ કે મહત્તમ વૃદ્ધિ અવસ્થા, કુલ આવવાની અવસ્થા અને દાણા ભરાવવાની અવસ્થા) દરમિયાન જ પાણી આપવા સલાહ અપાઈ છે.