સીરામીક ઉધોગને મુન્દ્રા ખાતે કન્ટેનર મોકલવાની કડાકૂટમાંથી મુક્તિ મકનસર પાસે દોઢ વર્ષમાં રેલવેનો કન્ટેનર ડેપો તૈયાર થઈ જશે મોરબી : મોરબીના સીરામીક ઉધોગકારોને પોતાનો સીરામીક માલ મુન્દ્રા ખાતે કન્ટેનરમાં મોકલવો પડતો હોય આ કન્ટેનરના ભારેખમ ભાડાખર્ચને કારણે ઉધોગકારો ત્રસ્ત થઈ ગયા હતા અને લાંબા સમયથી સીરામીક ઉધોગની આ કડાંકુંટમાંથી મુક્તિ આપવા મોરબીના મકનસર પાસે રેલવેનો કન્ટેનર ડેપો બનાવવાની માંગ હતી.ત્યારે હવે મોરબીના સીરામીક ઉધોગ માટેના મહત્વના કન્ટેનર ડેપો બનાવવના પ્રોજેકટને રાજકોટ રેલવે ડિવિઝન તરફથી મંજૂરી મળી છે અને મકનસર પાસે દોઢ વર્ષમાં રેલવેનો કન્ટેનર ડેપો તૈયાર થઈ જશે એવી આશા વ્યક્ત કરાઈ છે. મોરબીના મકનસર પાસે કન્ટેનર ડેપો બનાવવાની સીરામીક ઉધોગની લાંબા સમયથી માગણીને ધ્યાને લઈને રાજકોટ રેલવે ડિવિઝનના ડી.આર.એમ. અતુલકુમાર જૈને જણાવ્યું હતું કે, ગત સપ્ટેમ્બર માસમાં તેઓએ મોરબીની મુલાકાત લઈ ઉધોગકારો સાથે બેઠક કરતા ઉધોગકારો તરફથી રેલવેનો કન્ટેનર ડેપો બનાવાની માંગ મૂકાતા આ અંગે પુરજોશમાં કવાયત ચાલી રહી હતી. જેને હવે મંજૂરી આપી દેવામાં આવી છે. જેમાં મોરબીના મકનસર નજીક સરકારી ખરાબાની 70 હેકટર જમીનમાં કન્ટેનર ડેપોનું નિર્માણ કાર્ય હાથ ધરાશે. જેમાં લોડિંગ, અનલોડિંગ, વે-બ્રિજ સહિતનું નિર્માણ થશે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, કન્ટેનર ડેપો બનાવાનું કામ ગુજરાત સરકાર દ્વારા નિયુક્ત રેલવેના કામો કરતી ગુજરાત રેલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર કોર્પોરેશન લિમિટેડને સોપાશે. જેમાં કન્ટેનર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ કંપની મેઇન્ટનેશ કરશે.આથી ટૂંકાગાળામાં રેલવે કન્ટેનર ડેપો બન્યા બાદ સીરામીક ઉધોગકારો પોતાનો ટાઇલ્સ સહિતનો માલસામાન ટ્રેન મારફતે કંડલા, મુન્દ્રા, પીપાવાવ સહિતના પોર્ટ ઉપર પહોંચાડી શિપ દ્રારા અન્ય દેશોમાં મોકલી શકશે.જેમાં બાય રોડ થતો ખર્ચ બચી જશે. આથી સીરામીક ઉધોગને મોટી રાહત થશે.