મોરબી : મોરબી જીલ્લાના માર્ગના કામો મંજુર કરવા બદલ મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઇ ગડારાએ મુખ્યમંત્રી તથા નાયબ મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કર્યો છે. મોરબી જીલ્લાના ખૂબ અગત્યના અને વાહન વ્યવહાર માટે ખૂબ ઉપયોગી એવા રસ્તાઓ જેમ કે સ્ટેટ રોડ ટુ વાંકાનેર જડેશ્વર-લજાઈ રોડ ઉપરના બે પુલોનું મજબુતીકરણ કરવા માટે રૂ. 26 લાખ, રાજ્ય માર્ગ-મોરબી-જેતપર-અણિયારી રોડ ઉપર પત્થરના ચણતરવાળા નાળા-પુલોના મજબુતીકરણ માટે રૂ. 37 લાખ તેમજ એસ.આર. ટુ માળીયા-પીપળીયા-હજનાળી-આમરણ રોડ ઉપરના નાળા-પુલો અને સીડી વર્કસ માટે રૂ. 2 કરોડ 3 લાખ જેટલી માતબર રકમ રાજ્યના માર્ગ-મકાન વિભાગનો હવાલો સંભાળતા નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલ અને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી દ્વારા મંજુર કરાતા મોરબી જીલ્લા ભાજપના પ્રમુખશ્રી રાઘવજીભાઇ ગડારાએ મોરબી જીલ્લાની પ્રજા વતી રાજ્ય સરકારનો આભાર માન્યો છે. વધુમાં, મોરબી-હળવદ રસ્તા તથા મોરબી-જેતપર-અણિયારી રસ્તાના મહેન્દ્રનગર ચોકડી ઉપર ઓવરબ્રિજ બનાવવા માટેના પુર્વ ધારાસભ્ય બ્રિજેશભાઇ મેરજાના પ્રયાસોને ધ્યાને લઈ આ ઓવરબ્રિજ માટે રૂ. 80 કરોડના કામની સૈધ્ધાંતીક મંજુરી પણ નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલ તરફથી અપાતા અગત્યની પ્રક્રિયા તાબડતોબ હાથ ધરી આ સ્થળે મહેન્દ્રનગર ચોકડીએ હળવદ અને જેતપર (મચ્છુ) તરફના આવતા-જતાં વાહનોના ટ્રાફિકને નિવારવા ખૂબ ઉપયોગી ઓવરબ્રિજ પુરવાર થશે. જેને આ પંથકના આગેવાનોએ આવકારી રાજ્ય સરકારનો ખાસ આભાર માન્યો છે. આમ મોરબી-માળીયા (મી.) પંથકમાં રસ્તા-નાળા-પુલિયા-બ્રિજ જેવા કામોને ટોચ અગ્રતાથી હાથ ધરી વાહન વ્યવહાર સરળ બને એવા પરીણામલક્ષી પગલાં લેવા બદલ મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઇ ગડારાએ એક યાદીમાં અહોભાવ વ્યક્ત કર્યો છે.