કોરોના વોર્ડને કારણે કેસબારીનું આંખની હોસ્પિટલમાં સ્થળાંતર કરાયું, પણ એક જ બારી ખુલ્લી રખાતા હેરાનગતિ મોરબી : મોરબીની સિવિલ હોસ્પિટલમાં એક સાંધો ત્યાં તેર તૂટે જેવી હાલત છે. સિવિલ હોસ્પિટલમાં વારંવાર અસુવિધાની ઉઠતી ફરિયાદો વચ્ચે હમણાંથી એક જ કેસ બારી હોવાને કારણે દર્દીઓની ભીડ જામે છે અને કેસ કઢાવવામાં દર્દીઓને ભારે હાલાકી ભોગવવી પડે છે. મોરબીની સિવિલ હોસ્પિટલમાં કોરોનાનો સ્પેશિયલ વોર્ડ બનવાને કારણે અગાઉ મુખ્ય હોસ્પિટલની અંદર રહેલી દર્દીઓ માટે રૂટિન કેસ કઢાવવાની બારી બાજુની આંખની હોસ્પિટલમાં ખસેડી દેવામાં આવી હતી. પણ આંખની હોસ્પિટલમાં કાર્યરત થયેલી કેસબારી એક જ હોવાથી દર્દીઓની મોટી લાઈનો લાગે છે. જો કે પુરુષ અને સ્ત્રીઓની અલગ અલગ લાઈનો હોય છે. પણ આ પુરુષ અને સ્ત્રીઓ માટે અલગ-અલગની જગ્યાએ એક જ કેસબારી હોવાથી દર્દીઓ કેસ કઢાવવામાં ભારે વિલંબ થાય છે. આજે સવારે પણ આ કેસબારીમાં લાંબી લાઈનો જોવા મળી હતી. જેને કારણે સોશ્યિલ ડિસ્ટન્સ પણ જળવાતું નથી. આથી, સ્ત્રીઓ અને પુરુષ માટે અલગ અલગ કેસ બારી ખોલવામાં આવે તો લોકોને પડતી મુશ્કેલીમાં રાહત થાય તેમ છે.