મોરબીના રોહીદાસપરા મેઇન રોડ પરના વિસ્તારમાં બન્ને પરિવારોના સભ્યો તલવાર, ધોકા તેમજ પથ્થરોથી એકબીજા ઉપર તૂટી પડ્યા મોરબી : મોરબીના વીસીપરા અંદર આવેલા રોહીદાસપરા મેઇન રોડ પરના વિસ્તારમાં શેરીમાં એંઠવાડ નાખવા મામલે બે પાડોશી પરિવારો વચ્ચે બબાલ થયા બાદ મામલાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા બન્ને પરિવારોના સભ્યો તલવાર, ધોકા તેમજ પથ્થરોથી એકબીજા ઉપર તૂટી પડ્યા હતા અને બન્ને પાડોશી પરિવારો વચ્ચે મારામારી થયા બાદ બન્ને એકબીજા ઉપર હુમલો કર્યાની સામસામી ફરિયાદ નોંધાવી છે. મોરબીના વીસીપરા અંદર આવેલ રોહીદાસપરા મેઇન રોડ બાલમંદિરની બાજુમા રહેતા કેસુભાઇ અમરાભાઇ સોલંકી (ઉવ ૬૨)એ તેમના પાડોશમાં રહેતા રવિભાઇ પરસોતમભાઇ ચૌહાણ, તુષાર દિપકભાઇ ચૌહાણ, પ્રથમ દિપકભાઇ ચૌહાણ, જીગુભાઇ હકાભાઇ ચૌહાણ, કિશોરભાઇ રમેશભાઇ ચૌહાણ, મયુર પરસોતમભાઇ ચૌહાણ, મીનાબેન પરસોતમભાઇ ચૌહાણની સામે ફરિયાદ નોંધાવી હતી કે, ફરિયાદીના પત્ની શેરીમા એઠવાડ નાખવા જતા આરોપી મીનાબેન પરસોતમભાઇ ચૌહાણને સારૂ નહી લાગતા ફરીયાદીના પત્ની સાથે બોલાચાલી કરી ઝઘડો કરી બિભત્સ ગાળો આપતા ફરીયાદી તથા તેની પત્નીએ ગાળો આપવાની ના પાડતા આરોપી મીનાબેન એકદમ ઉશ્કેરાઇ ગયેલ અને ઝઘડો કરવા લાગતા જે ઝઘડા દરમ્યાન આરોપી મીનાબેનના કૌટુંબીક ભાઇઓ આવી લાકડાના ધોકા તથા એલ્યુમીનીયમની ચોરસ પટ્ટી તથા છુટા પથ્થરના ઘા મારી ફરીયાદીને માથાના ભાગે તથા સાહેદોને માર મારતા નાની મોટી ઇજાઓ પહોંચાડી હતી. સામાપક્ષે કાન્તાબેન પરસોતમભાઇ ચોહાણ (ઉવ ૫૦ ધંધો ઘરકામ રહે રોહિદાસપરા મેઇન રોડ વીસીપરા)એ તેમના પાડોશીઓ કેશુભાઇ ઉર્ફે કારુ અમરાભાઇ સોલંકી, સીધ્ધરાજભાઇ તુલસીભાઇ સોલંકી, વિનોદભાઇ અમરાભાઇ સોલંકી, મુકેશભાઇ વિનોદભાઇ સોલંકી, પુષ્પાબેન વાઓ કેશુભાઇ સોલંકી, અભીલાસાબેન તુલસીભાઇ સોલંકી સામે વળતી ફરિયાદ નોંધાવી હતી કે, ફરીયાદીના મકાન પાસે આરોપી પુષ્પાબેન એઠવાળ નાખતા ફરીયાદીએ એઠવાળ નાખવાની ના પાડતા આરોપીને સારુ ન લાગતા ફરીયાદી સાથે તેમજ ફરીયાદીના જેઠના દિકરો તથા ફરીયાદીની દિકરી સાથે બોલાચાલી ઝગડો કરી બીભત્સ ગાળો આપી ફરીયાદીને તેમજ સાહેદને છુટા પથરના ઘા મારી તેમજ ઢીકાપાટુનો મારમારી આરોપીઓએ પાઇપ તેમજ હાથમા તલવાર ઘારણ કરી અન્ય આરોપીઓએ છુટા પથર તેમજ ઇંટુના ઘા મારી ફરીયાદી તેમજ તેમના પરિવારજનોને માર મારી મુંઢ ઇજા કરી હતી. આ બનાવ અંગે બી ડિવિઝન પોલીસે બન્ને પાડોશી પરિવારોની સામસામી ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.