દીકરીને ભગાડી જનાર યુવકના મામા અને યુવતીના પિતા વચ્ચે બોલાચાલી બાદ ઝઘડો વકર્યો, 10 વિરુધ્ધ ફરિયાદ નોંધાઇવાંકાનેર : વાંકાનેર તાલુકાના કણકોટ ગામમાં છએક માસ પૂર્વે યુવતી સાથે ભાગીને લગ્ન કરનાર યુવકના મામા અને દિકરીના પિતા વચ્ચે બોલાચાલી થયા બાદ ઝઘડો વકરતા બન્ને પક્ષના પાંચ - પાંચ લોકો સામસામે આવી ધારીયા, લાકડી અને પાઇપ સહિતના હથિયાર વડે મારવા - મરવા પર ઉતરી આવતા બન્ને પક્ષે ઇજાઓ પહોંચી હતી.બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે સામસામે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે. પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેરના કણકોટ ગામે રહેતા નિલેશભાઈ અરવિંદભાઈ મકવાણાએ આરોપી જીવરાજભાઈ નાથાભાઇ સારદીયા, રમેશભાઈ નાથાભાઇ સારદીયા, અલ્પેશભાઈ ઉર્ફે કિશન રમેશભાઈ સારદીયા, જયરાજભાઈ જીવરાજભાઈ સારદીયા અને આરોપી હાર્દિક જીવરાજભાઈ સારદીયા રહે.તમામ કણકોટ વાળાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ફરિયાદી નિલેશભાઈની બહેન અસ્મિતાને છ મહિના પૂર્વે આરોપીનો ભાણેજ ગોવિંદ ભગાડી ગયો હોય બન્ને પક્ષે મનદુઃખ ચાલતું હોય નિલેશભાઈના પિતા અરવિંદભાઈએ આ બાબતે આરોપી જીવરાજભાઈને આ બાબતે કહેતા આરોપી જીવરાજભાઈએ કહ્યું હતું કે, હા મેં જ તમારી દીકરીને ભગાડવામાં મદદ કરી છે. તમારાથી થાય તે કરી લો કહી ઝઘડો કરયી હતો અને બાદમાં અન્ય આરોપીઓ પણ ધોકા, પાઇપ અને ધારીયા લઈ ઝઘડો કરી ફરિયાદી તેમજ સાહેદોને ઇજા કરી હતી.સામાપક્ષે કણકોટ ગામે જ રહેતા રમેશભાઈ નાથાભાઇ સારદીયા ઉ.55એ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં વળતી ફરિયાદ નોંધાવી જાહેર કર્યું હતું કે, પોતાના ભાણેજ ગોવિંદભાઇ બાબુભાઇ સરવૈયાએ અરવિંદભાઈ ભવાનભાઈ મકવાણાની દીકરી સાથે ભાગીને પ્રેમલગ્ન કર્યા હોય જે બાબતે આરોપી અરવિંદભાઈ ભવાનભાઈ મકવાણા, નિલેશ અરવિંદભાઈ મકવાણા, પંકજ અરવિંદભાઈ મકવાણા, અરવિંદભાઈનો આંગળીયાત પુત્ર રવિ અને હકુભાઈ જેસિંગભાઈ સારદીયા ફરિયાદીના ભાઈ જીવરાજભાઈ સાથે ઝઘડો કરતા હોવાની જાણ થતાં તેઓ પરિવારના સભ્યોને લઈ આરોપી પાસે ઝઘડો નહિ કરવા સમજાવવા ગયા હતા.આ સમયે ગામ લોકોએ ઝઘડો નહિ કરવા સમજાવી બન્ને પક્ષને ઘેર જવા કહેતા તેઓ પરિવાર સાથે ઘેર જતા હતા ત્યારે આરોપીઓએ લાકડી અને પાઇપ વડે હુમલો કરતા ફરિયાદીના હાથમાં ફ્રેક્ચર થઈ ગયું હતું તેમજ સાહેદ જયરાજભાઈને માથામાં પાઈપ મારવામાં આવતા હેમરેજ સહિતની ઇજાઓ પહોંચી હતી.બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે સામસામી ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.