આવતીકાલથી ત્રણ સેન્ટર ઉપર ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થશે મોરબી : સમગ્ર રાજ્યમાં આજથી ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થઈ છે. પરંતુ મોરબી જિલ્લામાં આજે મગફળીની ખરીદી શરૂ થઈ જ ન હતી. જેમાં વરસાદની આગાહીને પગલે આજે ટેકાના ભાવે મગફળીની ખરીદી મોકૂફ રહી હોવાનું તંત્ર તરફથી જાણવા મળ્યું છે. જો કે હવે વાતાવરણ ચોખ્ખું હોય આવતીકાલથી ત્રણ સેન્ટર ઉપર ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થશે તેમ જાણવા મળ્યું છે. મોરબી જિલ્લામાં આજે ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થઈ જ ન હતી. ગઈકાલે વરસાદની આગાહી જાહેર કરવામાં આવી હતી. પરંતુ ગતમોડી રાત્રે આ આગાહી પરત ખેંચાઈ હતી અને આજે સવારથી જ વાતાવરણ ચોખ્ખુ રહ્યું હતું. તેમ છતાં આજે મગફળીની ખરીદી શરૂ થઈ ન હતી. આ અંગે જિલ્લા પુરવઠા અધિકારી શ્વેતા પટેલે જણાવ્યું હતું કે, વરસાદની આગાહીને પગલે આજે કોઈ ખેડૂતોને ખરીદી માટે બોલાવ્યા નથી. પરંતુ આવતીકાલથી મોરબી જિલ્લાના ત્રણ સેન્ટર પરથી ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવામાં આવશે અને દરરોજ આશરે 100 ખેડૂતોને ખરીદી માટે બોલાવવામાં આવશે. આમ તો દરરોજ 125 ખેડૂતોને ફોન કરશે. એમાંથી કેટલા આવે છે કેટલી ખરીદી થાય છે તેના ઉપર આગળનું આયોજન કરાશે. ટેકાના ભાવે ખરીદી માટે મોરબી, માળીયા અને ટંકારાના ખેડૂતો માટે મોરબીનું માર્કેટિંગ યાર્ડ સેન્ટર રહેશે. જ્યારે હળવદ અને વાંકાનેર યાર્ડનું સેન્ટર સ્થાનિક ખેડૂતો માટે રહેશે. આ ખરીદી પ્રક્રિયા માટે નોડલ અધિકારી સહિત સ્ટાફની નિમણુંક કરી દેવામાં આવી છે. જિલ્લામાં કુલ 9 હજાર જેટલા ખેડૂતોનું રજિસ્ટ્રેશન થયું છે. તેમાં સૌથી વધુ 5352 ખેડૂતોનું ટંકારામાં રજિસ્ટ્રેશન થયું છે. આથી ટંકારામાં ખરીદી સેન્ટર ફાળવવાની માંગ ઉઠી છે.જો કે મોરબીમાં બે સેન્ટર ફાળવાયા છે. જેમાં મોરબી અને માળીયાનું ભેગું અને ટંકારાનું અલગ એમ બે સેન્ટરમાં ખરીદી થશે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..