પ્રથમ દિવસે 10 ખેડૂતોને બોલાવવામાં આવ્યા : ચણાનાં રૂ.1067 અને રાયડાના રૂ.1090ના ભાવ હળવદ : હળવદ માર્કેટિંગ યાર્ડ ખાતે રાજ્ય સરકાર વતી ખરીદ વેચાણ સંઘ દ્વારા આજથી ટેકાના ભાવે ચણા અને રાયડો ખરીદવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં પ્રથમ દિવસે 10 ખેડૂતોને બોલાવવામાં આવ્યા હતા જેમાં ચાર ખેડૂતો ચણા વેચવા માટે આવ્યા હતા. રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે ચણા અને રાયડો ખરીદવાની જાહેરાત બાદ ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું.જેમાં હળવદમાં 1348 ખેડૂતોએ ચણા વહેંચવા માટે તેમજ 88 ખેડૂતોએ રાયડો વેચવા માટે ગ્રામ પંચાયતના વીસીઈ મારફત રજીસ્ટ્રેશન કરાવ્યું હોય. જેથી આજથી હળવદ ખરીદ વેચાણ સંઘ દ્વારા હળવદ માર્કેટ યાર્ડ ખાતે ચણા અને રાયડો ખરીદવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં શ્રીફળ વધેરી ચણા વેચવા આવેલ ખેડૂતોને કુમકુમ તિલક કરી મોં મીઠા કરી ખરીદીનો પ્રારંભ કરાયો હતો. જેમાં હળવદ ખરીદ વેચાણ સંઘના ચેરમેન રસિકભાઈ પટેલ,વાઇસ ચેરમેન સોમાભાઈ ઠાકોર,હળવદ તાલુકા ભાજપ પ્રમુખ વાસુદેવભાઈ શીરોજીયા,ખરીદ વેચાણ સંઘના મેનેજર દર્શનભાઈ માકાસણા સહિતના હાજર રહ્યા હતા.