રાણી લક્ષ્મીબાઇએ પુત્રને કપડાંથી મજબૂત રીતે પીઠ પાછળ બાંધી વીરતાથી લડી અંગ્રેજ સેનાને હંફાવી ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના ક્રાંતિકારી જંગની ચિનગારી ઇ.સ. 1857ના વિપ્લવથી પ્રગટી હતી. 1857 વિપ્લવના વીર ક્રાંતિકારીઓમાં વીરાંગના ઝાંસીની રાણી લક્ષ્મીબાઇનું નામ મોખરે છે. તેમનો જન્મ લગભગ ઈ.સ. 1828માં 19 નવેમ્બરે કાશી (વારાણસી)માં તથા મૃત્યુ ઈ.સ. 1858માં 18 જૂનના દિવસે ગ્વાલિયરમાં થયું હોવાનું માનવામાં આવે છે. રાણી લક્ષ્મીબાઈનું બાળપણનું નામ મનિકર્ણિકા હતું પણ લાડમાં તેમને મનુ કહેતા. તેમના પિતાનું નામ મોરોપંત તાંબે હતું અને તેઓ એક મહારાષ્ટ્રીયન બ્રાહ્મણ હતા. તેમની માતા ભાગીરથીબાઈ એક સુસંસ્કૃત, બુદ્ધિમાન અને ધાર્મિક મહિલા હતી. મનુ જ્યારે ચાર વર્ષની હતી ત્યારે તેમની માતાનું મૃત્યુ થયું. તેમનું પાલન પિતાએ કર્યું હતું. મનુને નાનપણમાં શાસ્ત્રોની શિક્ષાની સાથે શસ્ત્રોની શિક્ષા પણ મળી. તેમનો વિવાહ સન 1842માં ઝાંસીના રાજા ગંગાધર રાવ નિવાલકરની સાથે થયો, અને તે રીતે તેઓ ઝાંસીની રાણી બન્યાં. વિવાહ પછી તેમનું નામ લક્ષ્મીબાઈ રાખવામાં આવ્યું. સન 1851માં રાણી લક્ષ્મીબાઈએ એક પુત્રને જન્મ આપ્યો પણ ચાર મહીનાની ઉંમરમાં જ તેનું મૃત્યુ થયું. સન 1853માં રાજા ગંગાધર રાવનું સ્વાસ્થ્ય ખૂબ બગડ્યુ એટલે તેમને દત્તક પુત્ર લેવાની સલાહ આપવામાં આવી. પુત્ર દત્તક લીધા પછી રાજા ગંગાધર રાવનું મૃત્યુ થયું. દત્તક પુત્રનું નામ દામોદર રાવ રાખવામાં આવ્યું. લોર્ડ ડેલહાઉસીની રાજ્ય હડપવાની ખાલસા નીતિ અનુસાર અંગ્રેજોએ દામોદર રાવને ઝાંસી રાજ્યનો ઉત્તરાધિકારી માન્ય ન કર્યો તથા ઝાંસી રાજ્યને અંગ્રેજ રાજ્યમાં મેળવી દેવાનો નિશ્ચય કરી લીધો. ત્યારે રાણી લક્ષ્મીબાઈએ અંગ્રેજ વકીલની સલાહ લઇ લંડનની અદાલતમાં મુકદમો દાખલ કર્યો. મુકદમામાં ગંગાધરને બિનલાયક ગણવામાં આવ્યો. અંગ્રેજી અધિકારીઓએ રાજ્યનો ખજાનો જપ્ત કરી લીધો અને તેમના પતિના ઋણને રાણીના સાલિયાણામાંથી કાપી લેવામાં આવ્યુ. આ સાથે જ રાણીએ ઝાંસીના કિલ્લાને છોડ ને ઝાંસીના રાણી મહેલમાં રહેવા જવું પડ્યુ. પણ રાણી લક્ષ્મીબાઈએ કોઇ પણ કિંમત પર ઝાંસી રાજ્યની રક્ષા કરવાનો નિશ્ચય કરી લીધો હતો. ઝાંસીનું યુદ્ધ રાણી લક્ષ્મીબાઈએ ઝાંસીની સુરક્ષાને સુદૃઢ કરવાનું શરૂ કરી દીધુ અને એક સ્વયંસેવક સેનાને સંગઠન કરવાનું પ્રારંભ કર્યુ. આ સેનામાં મહિલાઓની ભરતી પણ કરવામાં આવી અને તેમને યુદ્ધ પ્રશિક્ષણ પણ આપવામાં આવ્યુ. સાધારણ જનતાએ પણ આ વિદ્રોહમાં સહકાર આપ્યો. 1858ના જાન્યુઆરી મહિનામાં અંગ્રેજ સેનાએ ઝાંસી તરફ આગળ વધવાનું ચાલું કર્યુ અને માર્ચ મહીનામાં યુદ્ધ જાહેર કરી શહેરને ઘેરી લીધુ. ત્યારે રાણીએ જાતે શાસ્ત્રો ઉપાડયા, પુરૂષનો પોષક પહેર્યો અને વીરતાથી યુદ્ધ લડી. રાણીની યુદ્ધ કુશળતાએ જ એક દિવસ માટે પણ અંગ્રેજોને હાર ખવડાવી. બીજો દિવસે અંગ્રેજોની યુદ્ધ નોબતો ગડગડી ઉઠી. પૂરની જેમ અંગ્રેજ લશ્કર કિલ્લામાં ધસી આવ્યું. રાણીએ પોતાના પુત્રને કપડાંથી મજબૂત રીતે પીઠ પાછળ બાંધી દીધો અને પોતાના ઘોડાની લગામ મોંઢામાં લઈ બે હાથે તલવાર વીંઝતી દુશ્મન સેના પર ત્રાટકી. અંગ્રેજોથી ઘેરાયેલી રાણી ગ્વાલિયર જઈ પહોચી અને ત્યાંના રાજાની મદદ માંગી, જેની એમણે ઘસીને ના પાડી દીધી. લગાતાર અંગ્રેજોની વિશાળ સેનાનો પીછો અને થોડા વફાદાર સૈનિકો સાથે ત્રીજા દિવસે તો લક્ષ્મીબાઈની સેના નબળી પડવા માંડી. રાણી લક્ષ્મી અદભુત ચપળતા અને સાહસ દ્વારા અંગ્રેજ સૈન્ય સામે લડતી હતી. ત્યાં એમના માથા પર કોઇક જોરદાર ફટકો પડતાં એની એક આંખ બહાર નીકળી આવેલી. આમ છતાં એ મર્દાની નારીએ પાછળ ફરીને એ ફટકો મારનાર અંગ્રેજને મોતને ઘાટ ઉતારી દીધો. પણ એનું શરીર પર અગણિત ઘાવથી સાવ ચળાઇ ગયેલું. જેના પરિણામે તે નદીના વોંકળામાં ફસડાઇ પડી અને 18મી જૂનના રોજ મૃત્યુને શરણ થઈ. આમ, બ્રિટિશ શાસનને હંફાવનાર બ્રાહ્મણ વીરાંગના રાણી લક્ષ્મીબાઇએ દેશ માટે બલિદાન આપી પોતાની વીરતાનો પરિચય આપ્યો.