આગામી ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને જીત માટે આપ નેતાના મોરબી પંથકમાં ધામા મોરબી : આગામી વિધાનસભા ચૂંટણીમાં ગુજરાતની શાસનધુરા હાથવગી કરવાના સંકલ્પ સાથે મેદાનમાં ઉતરેલી આમ આદમી પાર્ટી દ્વારા હાલમાં ગુજરાતભરમાં જાહેરસભાઓ ગજાવી સીધો જ જનસંપર્ક કરી રહી છે ત્યારે ગઈકાલે ટંકારા બેઠકના આમ આદમી પાર્ટીના ઉમેદવારના સમર્થનમાં પદયાત્રામાં જોડાયેલા પંજાબના ઉર્જામંત્રી હરભજનસિંઘ આજે મોરબીની મુલાકાતે આવ્યા હતા અને સિરામીક ઇન્ડસ્ટ્રીઝની મુલાકાત લેવાની સાથે વેપારીઓ સાથે પણ વિચાર વિમર્શ કર્યો હતો. આમ આદમી પાર્ટીના સ્થાનિક આગેવાન અને કચ્છ લોકસભા ઉપપ્રમુખ પંકજ રાણસરિયાના જણાવ્યા મુજબ આજરોજ પંજાબના ઊર્જામંત્રી હરભજનસિંઘ મોરબીની મુલાકાતે આવ્યા હતા આ તકે તેઓએ મોરબી જિલ્લામા વેપારીઓ સાથે મુલાકાત કરી પાયાના પ્રશ્નો વિશે જાણકારી મેળવી હતી ઉપરાંત સિરામીક ઇન્ડસ્ટ્રીઝની મુલાકાત લઈ સીરામીક ઉદ્યોગ વિશે પણ ચર્ચા કરી સિરામિક પ્રોડક્ટ ઉત્પાદન વિશે જાણકારી મેળવી હતી. આ મુલાકાત સમયે આમ આદમી પાર્ટીના કચ્છ લોકસભા ઉપપ્રમુખ પંકજ રાણસરિયા, ઇલેક્શન કો-ઓર્ડીનેટર રાજેશ કાલરીયા, સંગઠન મંત્રી રાજુભાઈ હરણીયા અને કેતનભાઈ ધમસાણીયા સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા.